ગુજરાત
News of Tuesday, 22nd May 2018

ટિકિટ બ્લોક કરતાં સોફ્ટવેર ડિસ્ટ્રીબ્યુટરની ધરપકડ થઇ

અમદાવાદ આરપીએફ દ્વારા તપાસનો સપાટો : હાલ પર્દાફાશ થયેલા તત્કાળ ઇ-ટિકિટ કૌભાંડ બાદ હવે આરપીએફ હરકતમાં : કાળાબજારિયાઓ વિરૂદ્ધ તવાઈ

અમદાવાદ,તા. ૨૨ : રેલવેની તત્કાળ ટિકિટ સોફટવેર દ્વારા બુકિંગ કરીને કાળાંબજાર કરનાર એજન્ટો સામે અમદાવાદ આરપીએફ દ્વારા હવે તવાઇ બોલાવવામાં આવી છે, જેમાં શહેરના પ૦થી વધુ આવા એજન્ટો કાર્યરત હોઇ આરપીએફ દ્વારા તેઓની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે આવા કાળાબજારિયા એજન્ટોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, પાંચ જેેટલાં સોફટવેર દ્વારા એજન્ટ ટિકિટ બુક કરતા હોવાનુ તપાસમાં ખુલતાં અમદાવાદ આરપીએફની ટીમે ગુજરાતમાં રેડ મિર્ચ અને અન્ય બે સોફટવેર સપ્લાય કરનાર સુરતના યુવકની ધરપકડ કરી છે. તેણે અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ જેટલા લોકોને સોફટવેર સપ્લાય કર્યા હોવાનું બહાર આવ્યું છે. સેન્ટ્રલ રેલવે આરપીએફ દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાના ઇ-ટિકિટનાં કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જેના પગલે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ સહિત રાજ્યમાં આવા ઇ-ટિકિટના કૌભાંડીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ આરપીએફના પીએસઆઇ એમ.એસ.ગઢવી અને તેમની ટીમે તપાસ બાદ સુરતના કિમ રોડ પર આવેલી રાજાકૃપા સોસાયટીમાં રહેતા યતેન્દ્ર ઉર્ફે યશ પટેલની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી પોતે આ સોફટવેર ડેવલોપિંગ સાથે સંકળાયેલો છે. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતમાં પોતે આ સોફટવેર સપ્લાય કરે છે. એક આઇડીના રપ૦૦ રૂપિયા લેખે આઇડી આપવામાં આવતો હતો. અત્યાર સુધીમાં તેણે ૧૦૦ જેેટલા લોકોને આઇડી આપ્યા છે. પોલીસે તેની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને કેટલાક એજન્ટ તથા ડીલરના મોબાઇલ નંબર મેળવ્યા છે. કુલ પાંચ જેટલાં સોફટવેર દ્વારા આખી રેલવેની ઇ-ટિકિટ કાઢવાનું કૌભાંડ ચાલે છે જેમાં રેડ મિર્ચ, આઇબીએસ અને કાઉન્ટર નામના સોફટવેરનો મુખ્ય સપ્લાયર આરોપી યતેન્દ્ર હોવાનું બહાર આવ્યું છે. આરોપી પાસેથી પાંચ જેટલા અલગ અલગ બેન્ક એકાઉન્ટ મળી આવ્યાં છે. જેમાં લાખો રૂપિયાની એમાઉન્ટ મળી આવી છે. રેડમિર્ચ નામના સોફટવેર દ્વારા લાખો રૂપિયા કમાતો હોવાનું બહાર આવ્યું છે. સેન્ટ્રલ રેલવેમાં આરપીએફ દ્વારા જે આરોપી સલમાનની ધરપકડ કરવામાં આવી છે તેનો આ સાગરીત હોવાનું બહાર આવ્યું છે. સાથે બેસીને સલમાન અને યતેન્દ્રએ આ સોફટવેરની ટ્રેનિંગ લીધી હોવાનું આરપીએફનાં સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાં રેડ મિર્ચના સોફટવેરનો સપ્લાયર યતેન્દ્ર હોવાનું આરપીએફની પૂછપરછમાં બહાર આવ્યું છે. અમદાવાદ શહેરમાં અનેક લોકોને તેણે આ સોફટવેર સપ્લાય કર્યાં છે. આરપીએફને યતેન્દ્ર પાસેથી મળી આવેલા મોબાઇલ નંબર અને લેપટોપમાંથી મળેલી વિગતના આધારે હવે આવા ઇ-ટિકિટના કૌભાંડી સામે અમદાવાદ આરપીએફએ કાળાબજારિયા એજન્ટો સહિતના લોકો સામે તવાઇ બોલાવી છે.

(7:56 pm IST)