ગુજરાત
News of Tuesday, 22nd May 2018

ગાંધીનગરમાં રિક્ષાની રાહ જોય ઉભેલ યુવાન પર ઝાડ પડતા કરુણ મોત

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુખ્ય માર્ગોની આસપાસ ચોમાસા પહેલા સુકા ઝાડ ઉતારી લેવાની પરંપરા છે પરંતુ વનવિભાગ તેમાં ઉણું ઉતરતાં આજે ચિલોડા સર્કલ પાસે રીક્ષાની રાહ જોઈને ઉભેલા તલોદના યુવાન ઉપર સુકું ઝાડ પડતાં ગંભીર રીતે ઘવાયો હતો અને સારવાર માટે સિવિલ લઈ જવાયો હતો પરંતુ તેનું મોત નીપજયું હતું. આ સંદર્ભે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ગાંધીનગર જિલ્લાનું વન તંત્ર ચોમાસું નજીક છે તેમ છતાં આળસમાંથી ઉભુ થતું નથી. જેના કારણે નિર્દોષ લોકોને જીવ ખોવાનો વારો આવી રહયો છે. આગામી મહિનાથી સરકારી ચોપડે વિધિવત ચોમાસુ બેસશે તે પહેલા નમેલા, જોખમી અને સુકા વૃક્ષો ઉતારી લેવાની પરંપરા છે પરંતુ આ કામ હજુ સુધી શરૃ થયું નથી. ત્યારે આજે બપોરે ચિલોડા સર્કલ પાસે સુકું ઝાડ પડતાં યુવાનનો જીવ ગયો છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે તલોદ ગામમાં રહેતો ૩૦ વર્ષીય યુવાન રમણભાઈ કાંતિભાઈ રાવળ બપોરે ચિલોડા સર્કલ પાસે દશેલા જવા માટે રીક્ષાની રાહ જોઈને ઉભો હતો. તે દરમ્યાન અચાનક જ તેની ઉપર રોડસાઈડમાં રહેલું સુકુ ઝાડ પડયું હતું. જેના પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(6:05 pm IST)