ગુજરાત
News of Tuesday, 22nd May 2018

પેટલાદ તાલુકાના દંતાલીમા રાત્રીના સુમારે તસ્કરોએ ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના સહીત એક લાખની મતા તફડાવી

પેટલાદ:તાલુકાના દંતાલી ગામે આવેલી ઈન્દિરાનગરીમાં ગઈકાલે રાત્રીના સુમારે ખુલ્લા રહી ગયેલા એક ઘરમાંથી અંદર ઘુસેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને કુલ ૧ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી રાજેન્દ્રભાઈ અંબાલાલભાઈ સોલંકી પેટલાદની પીબીએમ મિલમાં વાઈન્ડીંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓ નીત્યક્રમ મુજબ નોકરી પર ગયા હતા. પત્ની જયાબેન તથા પુત્ર કમલેશ ઓસરીમાં સુઈ ગયા હતા જ્યારે જીતેશ તથા તેની પત્ની ધાબા ઉપર સુઈ ગયા હતા. ભૂલથી લોખંડની જાળીને તાળુ મારવાનું રહી જવા પામ્યું હતુ. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો જાળી ખોલીને અંદર ઘુસ્યા હતા અને રસોડામાં મુકેલી તીજોરી ખોલીને અંદરથી સવા તોલાની સોનાની ચેઈન, અઢી તોલાના સોનાના બે લોકેટ, સોનાની બુટ્ટી તથા ઝુમ્મર, સોનાની સાત વીંટી, ચાંદીના સીક્કા ચાર તથા ચાંદીના ઝાંઝર અને રોકડા ૭ હજાર મળીને કુલ ૧ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

સાડા પાંચેક વાગ્યાના સુમારે જયાબેન ભેંસો દોહવા માટે ઉઠતાં જ લોખંડની જાળી ખુલ્લી તેમજ તિજોરીનો સામાન વેરવિખેર પડેલો જોયો હતો જેથી પડોશી મારફતે તુરંત જ પતિ રાજેન્દ્રભાઈને જાણ કરતાં તેઓ આવી ચઢ્યા હતા અન તપાસ કરતાં ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. ઘટનાની જાણ પેટલાદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી ચઢી હતી અને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી હતી.

(6:02 pm IST)