ગુજરાત
News of Tuesday, 22nd May 2018

ભાદરણ-ગંભીરા રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલક ઈજાગ્રસ્ત

ભાદરણ:ભાદરણ-ગંભીરા રોડ ઉપર આવેલી ઈંગ્લાવડી પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટ્રકે આગળ જતા બાઈકને ટક્કર મારતા બ્રેક મારીને આગળ ઉભેલી ટ્રકની પાછળ બાઈક અથડાતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ભાદરણ ખાતે રહેતા હર્ષદભાઈ પારેખ આંકલાવ જીઈબીમાં નોકરી કરે છે. ગઈકાલે તેઓ નોકરી પરથી છુટીને રાત્રીના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એપી-૮૫૭૯નું લઈને પરત ભાદરણ તરફ જવા નીકળ્યા હતા.
રાત્રીના પોણા દશેક વાગ્યાના સુમારે તેઓ ઈંગ્લાવડી પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ જતી ટ્રક નંબર જીજે-૩, એટી-૧૨૬૦ના ચાલકે કોઈ કારણોસર બ્રેક મારતાં હર્ષદભાઈ પારેખે પણ બ્રેક મારી હતી, દરમ્યાન તેમની પાછળ આવતી ટ્રક નંબર જીજે-૧૦, ટીવી-૨૩૩૩એ ટક્કર મારતાં બાઈક આગળ ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગયું હતુ જેમાં ચાલકને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેઓને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(6:02 pm IST)