ગુજરાત
News of Tuesday, 22nd May 2018

દારૂ ભરેલ સ્કોર્પિયો નદીમાં ખાબકીઃ પોલીસ બાલબાલ બચી : ૩ સ્કોર્પિયો જબ્બે : લાખોનો દારૂ નિકળી પડયો

 વાપી તા. ૨૨ : પારડીના વાઘછીપા નજીક પરવાસા ગામની નદી નજીક પોલીસે બાતમીના આધારે ફિલ્મીઢબે દારૂ ભરેલી ત્રણ સ્કોર્પીયોને ઝડપી પાડી હતી. જેમાં સ્કોર્પીયોને આંતરતી વખતે પીએસઆઇએ સમયસૂચકતા વાપરતા તેમનો આબાદ બચાવ થયો હતો અને એક સ્કોર્પીયો ૨૫ ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. પોલીસે દારૂના બે કુખ્યાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પારડી પોલીસને દારૂ ભરેલી સ્કોર્પીયો અંગે બાતમી મળી હતી. જેને લઇ ગઇકાલે સવારે પીએસઆઇ આર.પી. સોલંકી અને ટીમે વાઘછીપા નજીક પરવાસા ગામની નદી પાસે વોચ ગોઠવી હતી. જયાં બાતમી મુજબની સ્કોર્પીયો આવતા પોલીસે તેનો પીછો કર્યો હતો. એક સ્કોર્પીયોના ચાલકે પોલીસને જોઇને ચાલુ ગાડીએ કૂદકો માર્ય હતો.

આ સ્કોર્પીયો પીએસઆઇ સોલંકી અને ટીમને અડફેટે લે તે પહેલા સમયસૂચકતાને કારણે તેમનો બચાવ થયો હતો. જયારે સ્કોર્પીયો ૨૫ ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. જયારે બાકીની બે સ્કોર્પીયો નધણિયાતી હાલતમાં મુકી ચાલક ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત ત્રણેય ગાડીનું પાયલોટીંગ કરી રહેલી સ્કોર્પીયો પણ પોલીસના હાથમાં આવી જાય તેમ હોવાથી તેને પણ રસ્તે મુકી જ બુટલેગરો ફરાર થઇ ગયા હતા. પોલીસે ત્રણેય ગાડીમાં મળી બિયર વ્હીસ્કીની કુલ ૧૭૪૭ બોટલ પકડી હતી. જેની કિંમત ૬.૩૮ લાખ દર્શાવાઇ છે. દારૂ અને ગાડીઓ મળી પોલીસે કુલ રૂ. ૪૧.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અન ેદારૂના ધંધામાં કુખ્યાત ગણાતા દુષ્યંત અને સંજય માંજરાને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

(3:46 pm IST)