ગુજરાત
News of Tuesday, 22nd May 2018

ભરૂચમાં કોન્સ્ટેબલ ઉપર હુમલો કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા :એકની શોધખોળ

હુમલાખોરે પોતાની કોન્સ્ટેબલ તરીકે આપેલ ઓળખ બોગસ હોવાનું ખુલ્યું :માત્ર મિત્રનું નામ વટાવ્યું

ભરૂચના કોલેજ રોડ ઉપર કોન્સ્ટેબલના માથામાં કાચની બોટલ મારવાના કેસમાં હૂમલાખોર પૈકી બી ડિવીઝન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ તરીકેની ઓળખ આપનાર શખ્સ બોગસ હોવાનું ખુલ્યું છે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. જ્યારે મૌલિક નામનો એક આરોપી હજી ફરાર છે.

  આ અંગેની વિગત મુજબ ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ જયેશ ચૌધરીએ મધ્યરાત્રીએ નાઇટ પેટ્રોલિંગ વેળાં કોલેજ રોડ ઉપર બે બાઇક સાથે ઉભેલાં ચાર શખ્સોની પુછપરછ કરતાં એક શખ્સે તેની ઓળખ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હિતેશ મનહર ગોહિલ તરીકે આપી તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જયેશના માથામાં કાચની બોટલ ફોડી નાસી ગયાં હતાં.

  મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને પોલીસે તુરંત એક્શનમાં આવી તપાસ હાથ ધરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હૂમલાખોરો પૈકીના ત્રણ આરોપીઓ સન્નીકુમાર અશ્વિન મિસ્ત્રી, ચિંતન ડાહ્યા મિસ્ત્રી (બન્ને રહે. નાની બજાર વેજલપુર) તેમજ ભાવેશ નટવર બારોટ (રહે. લીમડી ચોક)ની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં સન્નીકુમાર મિસ્ત્રીએ બી ડિવિઝનનો કોન્સ્ટેબલ હિતેશ તેનો મિત્ર થતો હોઇ તેનું નામ વટાવ્યું હોવાનું માલુમ પડ્યું હતું.

(10:40 pm IST)