ગુજરાત
News of Tuesday, 22nd May 2018

નર્મદા ડેમની જળસપાટીમાં 3 સેન્ટીમીટરનો વધારો:4125 ક્યુસેક પાણીની થાય છે આવક

મધ્યપ્રદેશનાં ઈન્દિરાસાગર ડેમમાં વીજ મથકો ચાલુ કરાતા તેમાંથી છોડવામાં આવતું પાણી સીધું જ નર્મદા ડેમમાં ઠાલવાયું

અમદાવાદ :રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો ખૂબ ઓછો છે.રાજ્યમાં પાણી પુરવઠો પુરો પાડવા ડેડ કેનાલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશનાં ઈન્દિરાસાગર ડેમમાં વીજ મથકો ચાલુ કરવામાં આવતાં તેમાંથી છોડવામાં આવતું પાણી સીધું જ નર્મદા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલમાં નર્મદા ડેમમાં 4125 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 24 કલાકમાં 3 સેન્ટિમીટર વધીને જળ સપાટી 104.97 મીટરે પહોંચી છે.

પાણીની આવક 4125 ક્યુસેક થતાં હવે નર્મદા ડેમમાંથી આઇબીપીટી દ્વારા 2601 ક્યુસેક પાણી તળાવોમાં છોડાવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 3046.18 મિલીયન ક્યુબીક મીટર ડેડ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. નર્મદા નદીનાં ગેટમાંથી 618 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.જ્યારે મુખ્ય કેનાલમાં 1978 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. વરસાદ આવતા પહેલા નર્મદા બંધનું રુલ લેવલ જળવાઈ રહે તે માટે હજી આગામી સમયમાં ઈન્દિરાસાગર ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

(9:22 pm IST)