ગુજરાત
News of Tuesday, 22nd May 2018

સળગતા યુવકનો વાયરલ થયેલ વીડિયો સુરતનો નહીં પરંતુ પંજાબના લુધિયાણાનો હોવાનું ખુલ્યું

સુરતઃ સોશ્યલ મીડિયામાં સળગતા યુવકનો વીડિયો વાયરલ થયા બાદ આ વીડિયો સુરતનો નહીં પરંતુ પંજાબના લુધિયાણા શહેરનો હોવાનું ખુલ્યુ હતું.

વીજ થાંભલા ઉપર ચઢી ગયા પછી વીજ શોકથી યુવાન ઘાયલ થયો હોવાનો વીડિયો હાલ સુરતના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉધના આવાસનો યુવાન વીજપોલ પર ચડેલો દર્શાવાયો છે. યુવાન મસ્તી કરતો-નશામાં કે માનસિક બિમાર હોવાનું વીડિયોમાં દેખાય છે. જ્યારે નીચે લોકોનું ટોળુ વળેલું દેખાય છે. આ યુવક હાઈ ટેન્શન લાઈનને અડકી જતાં સળગી ઉઠ્યો હતો. જે ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં આ યુવક કોણ હતો તે અંગે જાણકારી મળી નથી. જોકે આ વીડિયોની સત્યતા તપાસતાં આ વીડિયો સુરતનો નહીં પરંતુ ત્રણ દિવસ અગાઉ પંજાબના લુધિયાણાનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં સરકારી ફ્લેટ પર કબ્જો જમાવી લેતાં તંત્ર દ્વારા આ પ્લોટ ખાલી કરાવવામાં આવી રહ્યાં હતાં. ત્યારે યુવક વીજ પોલ પર ચડી ગયો હોવાનું સામે આવ્યું હતું.

સુરતના ઉધના વિસ્તારના ભીમનગર નામે વાયરલ થઈ રહેલા વીડિયોની સત્યતા તપાસી હતી. જેમાં આ વીડિયો સુરતનો નહીં પરંતુ પંજાબના લુધિયાણાનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં સરકારી ફ્લેટમાં ગેરકાયદે રહેતા લોકોનું દબાણ દૂર કરવા માટે તંત્રની ટીમ ત્યાં પહોંચી હતી. તેવામાં એક યુવક આવાસનાં ત્રીજા માળેથી વીજ પોલ ઉપર ચડી ગયો હતો. જ્યાં તેને વીજ કરંટ લાગતાં ત્યાં જ સળગી ગયો હતો. સળગેલા યુવકનું નામ સન્ની હતું તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે. લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં સરકારી 241 ફ્લેટ પર ગેરકાયદે લોકોએ કબ્જો કર્યો હતો. જે ખાલી કરાવતી વખતે આ ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ તંત્રની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક મહિલા ઓફિસર ફસાઈ ગઈ હતી. બાદમાં અધિકારીઓએ તેને બહાર કાઢી હતી. આ અંગે લોકો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અને સન્ની નામનો યુવક પીજીઆઈમાં સારવાર લઈ રહ્યો છે.

વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનો પગ તારમાં અડી જતાં મોત

સુરતમાંથી એક લાઈવ મોતનો વીડિયો સામે આવ્યો છે. જો કે આ વીડિયોની પુષ્ટિ અકીલાન્યુઝ નથી કરતું.

સુરતમાં એક અસ્થિર મગજનો યુવાન વીજ પોલના થાંભલા પર ચઢી ગયો હતો. આ યુવાન દારૂના નશામાં ચૂર હતો અને કલાકો સુધી સમગ્ર માહોલને માથે લીધો

હતો. જો કે લોકો દ્વારા તેને નીચે ઉતારવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ યુવક નીચે ઉતર્યો ન હતો. આ યુવક થાંભલા પર એક લાકડી સાથે લઈને ચડ્યો હતો અને  બાજુમાં રહેલી બારીના કાચને પણ તોડી નાખ્યો હતો. જો કે અચાનક તેનો પગ હાઈ ટેન્શન વાયર જોડે અડી જતા ભડકો થયો હતો અને તેની નીચે પટકાયો હતો.

આ સમગ્ર ઘટના મનપા સંચાલિત આવાસ યોજનામાં બની હોવાનું સામે આવી આવ્યું છે. હચમચાવનારી ઘટનાનો આ વિડિઓ હાલ તો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે અહિયા ઉભેલા લોકોએ ફાયર અથવા પોલીસને જાણ કરી હોત તો આ ઘટના ન બની હોત. હાલ તો પોલીસ માટે આ તપાસનો વિષય બન્યો છે.

(7:28 pm IST)