ગુજરાત
News of Thursday, 22nd April 2021

કપડવંજમાં મસ્જિદમાં નમાઝ પઢવા આવેલ શખ્સોની પોલીસ સાથે થયેલ ઉગ્ર બોલચાલમાં મામલો બિચક્યો

કપડવંજ: તાલુકામાં લાયન્સ ક્લબ પાસે આવેલ મસ્જિદમાં નમાજ પઢવા આવેલાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. હાલ સંક્રમણના કારણે કોરોના નિયમપાલન, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે પોલીસ ત્યાં પહોંચી હતી. પરંતુ તે સમયે ઉગ્ર બોલાચાલી થવા સાથે ઘર્ષણ થતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યાનું ચર્ચાતું હતું.દરમ્યાન મામલો ઉગ્ર બનતા ટોળાએ પોલીસ મથકમાં અને વાહનોમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે ટોળું વિખેરવા લાઠીચાર્જ-ટીયરગેસના સેલ છોડયા હતા. જો કે ટોળું બેકાબૂ બનતા પોલીસે જિલ્લાકક્ષાએ ફોન કરીને વધુ પોલીસ ટૂકડી મંગાવી હતી. સમગ્ર મામલે તોડફોડ અને નુકસાની કરતા ૩પ વ્યકિતઓ સામે ફરિયાદ દાખલ કરીને તેઓની અટકાયત માટેની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં અલી મસ્જિદમાં ગઈકાલે સામુહિક નમાજ પઢવા બાબતે પોલીસે કાર્યવાહી કરતા મામલો બીચકયો હતો. જેમાં નમાજ પઢીને બહાર આવતા લોકોને પોલીસે સોશ્યલ ડિસ્ટન્સના મુદ્દા અંગે વાત કરી હતી. ચર્ચાઓ અનુસાર વાતચીત ઉગ્ર બનતા પોલીસે લાઠી ચાર્જ કરતા લઘુમતિ સમાજના આગેવાનોએ વચ્ચે પડી પોલીસને સમજાવટથી કામ લેવા જણાવ્યું હતું. પરંતુ પોલીસે ગેરવર્તાવ કરતા મામલો બિચક્યો હતો.

(6:42 pm IST)