ગુજરાત
News of Thursday, 22nd April 2021

નડિયાદમાં નાસિક જેવી અોક્સિજન ટેન્ક લીક થયાની અફવા ઉડીઃ બાદમાં અોક્સિજન નહીં પરંતુ બરફની વરાળ હોવાનું ખુલ્યુ

ખેડા: ગુજરાતમાં નાશિક જેવી ઓક્સિજન લીકની ઘટનાની અફવા ફેલાઈ હતી. નડિયાદની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાની વાત સામે આવી હતી. જોકે, બાદમાં તે ઓક્સિજન લીક નહિ, પરંતુ બરફની વરાળ હોવાનું ખૂલ્યું હતું. પરંતુ આ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.

નડિયાદની એનડી દેસાઇ હોસ્પિટલના ઓક્સિજન ટેન્કમાં લીકેજ થયું હોવાની વાત વહેતી થઈ હતી. દર્દીઓને સપ્લાય કરાતા ઓટુ ટેન્કમા઼ં લીકેજ થયું હતું તેવા સમાચાર સામે આવ્યા હતા. જોકે, બાદમાં હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિ એનડી દેસાઈ હોસ્પિટલ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતું. મેઈનટેનન્સની ટીમ બોલાવીને ચેકિંગ કરાયું હતું. જેથી કોઈ જાનહાનિ ન થાય.

એનડી દેસાઈ હોસ્પિટલ દ્વારા ગેસ લીકેજના સમાચાર પર ખુલાસો કરાયો કે, ગેસ લિકેજ નથી થયું. પરંતુ તે ગેસ જેવો દેખાતો વાયુ હકીકતમાં બરફની વરાળ છે. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે કહ્યું કે, આ લીકેજ ઓક્સિજનનું નથી. તેથી દર્દીઓનો જીવ જોખમમાં નથી. 

(4:26 pm IST)