ગુજરાત
News of Thursday, 22nd April 2021

દેશના મોટાભાગના વિસ્તારોમાં અછત

કોરોનાની સારવારમાં ઉપયોગી ''TOCILIZUMAB'' ઇન્જેકશનની સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયંકર તંગી

રેમડેસિવિર ઇન્જેકશનની અછત સર્જાતા 'ટોસીલીઝૂમેબ' કે 'ઇટોલીઝૂમેબ' ઇન્જેકશન મળતા બંધ થયાનૂં અનુમાનઃ જો કે બન્નેના કન્ટેઇન્સમાં અને કિંમતમાં ઘણો મોટો ફેરફાર છે - ઇન્જેકશન મેળવવા માટે ચિંતાગ્રસ્ત તથા બેબાકળા થઇને આમ તેમ ભટકતા લોકો

રાજકોટ તા. રર :.. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળમુખા કોરોનાએ ભયાનક આતંક મચાવી દીધો છે ત્યારે કોરોનાની સારવારમાં અતિ ઉપયોગી ગણાતા "TOCILIZUMAB"તથા "ITOLIZUMAB" ઇન્જેકશનની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયંકર તંગી જોવા મળી રહી છે. ઇન્જેકશન મેળવવા માટે દર્દીના સગા-વ્હાલાઓ તથા લોકો ચિંતાગ્રસ્ત તથા બેબાકળા થઇને આમતેમ ભટકી રહ્યા છે. પોતાનો કે પોતાના પરિચિત સગા-વ્હાલાઓનો જીવ બચાવવા માટે લોકો હાલમાં કંઇપણ કરી છૂટવા તૈયારી બનાવી રહ્યા છે. એવું પણ જાણવા મળે છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં ટોસીલીઝૂમેબ કે ઇટોલીઝૂમેબ ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે. ઘણી જગ્યાએ આ ઇન્જેકશનોની  સંગ્રહખોરી કે કાળાબજારી થતી હોવાની ઉડતી - ઉડતી વાતો સાંભળવા મળી રહી છે, પરંતુ તે વાતને કયાંયથી સત્તાવાર સમર્થન મળતું નથી. દવા બજાર ઉપર સરકારી તંત્ર પણ સતત બાજનજર રાખી રહ્યું છે.

મેડીકલ ક્ષેત્રમાં એવું અનુમાન થઇ રહ્યું છે કે કોરોનાની સારવારમાં ઉપયોગી ગણાતા રેમડેસીવીર ઇન્જેકશનની અછત દેખાતા 'ટોસીલીઝૂમેબ' કે 'ઇટોલીઝૂમેબ' ની માંગમાં વધારો થયો છે. પરિણામે શોર્ટેજ દેખાવા લાગી છે. જો કે રેમડેસિવિર અને 'ટોસીલીઝૂમેબ' કે 'ઇટોલીઝૂમેબ' ઇન્જેકશન્સના કન્ટેઇન્સ-મોલેકયુલ્સ અને કિંમતમાં ઘણોમોટો ફેરફાર હોવાનું જાણવામળે છે. ટોસીલીઝુમેબ ઇન્જેકશન કંપની મુજબ રપ હજારથી ૪૦ હજાર રૂપીયા સુધી મળતા હોવાનું સંભળાઇ રહયું છે. જયારે રેમડેસીવીર ઇન્જેકશન ૯૦૦ રૂપીયા (૭૦૦ રૂપીયા, ૩૦૦૦ રૂપીયા કે પ૪૦૦ રૂપીયા સુધીમાં મળતા હોવાનું જાણવા મળે છે.

ટોસીલીઝુમેબ ઇન્જેકશન ઇન્ડીયા બહારથી સ્વીટઝરલેન્ડ જેવા દેશમાંથી આવતા હોય જેને કારણે તેની શોર્ટજ હોવાનું તંત્રના ઉચ્ચ અધિકારી જણાવી રહયા છે.

ટોસીલીઝુમેબ કે ઇટોલીઝમેબ ઇન્જેકશન વિશે સત્ય હકીકત જાણવામાટે અકિલાએ રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડીપાર્ટમેન્ટના રાજકોટ ખાતેના આસીસ્ટન્ટ કમિશ્નરના ચાર્જમાં રહેલા વ્યાસનો ટેલીફોનીક સંપર્ક કરવાનો સવારે પોણા બાર વાગ્યા આસપાસ પ્રયાસ કર્યો હતો. પરંતુ મો.નં. ૯૯૧૩૬ ૧૪ર૧૮ નો રીપ્લાય થતો હતો.

(4:16 pm IST)