ગુજરાત
News of Thursday, 22nd April 2021

કોરોનાનું રૌદ્ર સ્વરૂપ

૧૦૮ના કોલ સેન્ટર ઉપર અમુક દિવસે ૨૫૦૦૦ ફોન આવે છેઃ દર મિનિટે ૧૭ કોલ

એમ્બ્યુલન્સના ડ્રાઇવર કહે છે પોતાના અનુભવોઃ લાઇનમાં જાય છે વધુ સમય

અમદાવાદ, તા.૨૨: અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ. આખો દિવસ તમને ૧૦૮નો અવાજ સંભળાતો હશે. બુધવારના રોજ બપોરે લગભગ ૨ વાગ્યે સિવિલ હોસ્પિટલની બહાર ૩૦ જેટલી એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી હતી, જેમાંથી સાતમા નંબરની એમ્બ્યુલન્સના ડ્રાઈવર અનિમેષે(નામ બદલવામાં આવ્યું છે) પોતાનો અનુભવ શેર કર્યો.

તેમણે જણાવ્યું કે, અમે રાણિપમાં દર્દીના દ્યરેથી ૧૦ વાગ્યે નીકળ્યા અને ૧૦.૩૦ સુધીમાં હોસ્પિટલ પહોંચી ગયા. ડોકટરે દર્દીનું બ્લડ પ્રેશર અને ઓકિસજન લેવલ માપ્યું અને એમ્બ્યુલન્સના સપ્લાયથી તેમને ઓકિસજન ચઢાવવામાં આવ્યો. આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં હજી લગભગ ૪૫ જેટલી મિનિટનો સમય લાગશે.

અનિમેષની શિફ્ટ સવારે ૬ વાગે શરૂ થાય છે અને આ બીજા દર્દી હતા જેમને તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. શિફ્ટના પ્રથમ દર્દીએ પહેલાથી જ ખાનગી હોસ્પિટલમાં ફોન કરીને જાણકારી આપી દીધી હોવાને કારણે ગણતરીના કલાકોમાં કામ પતી ગયુ હતું. પાછલા એક અઠવાડિયામાં જયારથી કોરોનાની સ્થિતિ વકરી છે, મારો મોટાભાગનો સમય હોસ્પિટલોની બહાર લાઈનોમાં ઉભા રહેવામાં જ જાય છે. તેમ ટાઇમ્સ જણાવે છે.

કોરોનાની સારવાર આપતી હોસ્પિટલો તો ભરાઈ જ રહી છે પરંતુ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે પણ સતત ફોન આવી રહ્યા છે. ઈએમઆરઈ ૧૦૮ના સીઓઓ જશવંત પ્રજાપતિ જણાવે છે કે, અમારા કોલ સેન્ટરમાં અમુક વાર દિવસના ૨૫૦૦૦ ફોન આવે છે અથવા તો કહી શકાય કે એક મિનિટમાં ૧૭ ફોન આવે છે. આમાંથી દ્યણાં ફોન ફોલો-અપ માટે આવતા હોય છે. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે કેસની સંખ્યા વધવાની સાથે જ અહીં ફોનની સંખ્યામાં પણ વધારો થયો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ફોન કોલની સંખ્યામાં વધારો થતા અમે નવી લાઈન શરૂ કરી છે અને સાથે જ રાજયના શિક્ષણ વિભાગના કોલ સેન્ટરનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. જૂની એમ્બ્યુલન્સોને પણ ફરીથી કાર્યરત કરી રહ્યા છીએ અને અમદાવાદ શહેરમાં એમ્બ્યુલન્સની સંખ્યા બમણી કરી નાખી છે. પરંતુ હું લોકોને અપીલ કરીશ કે અવારનવાર ફોન કરવાનું ટાળે અને સુનિશ્યિત કરુ છું કે તમારા કોલ રેકોર્ડ થાય છે અને તેમના પર ચોક્કસપણે પ્રતિભાવ આપવામાં આવશે. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનો પ્રાથમિકતા આપવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી પહેલા શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ૧૫ મિનિટનો હતો અને ટર્ન અરાઉન્ટ ટાઈમ ૬૦ મિનિટનો હતો. ૧૨ કલાકની શિફ્ટમાં ઈએમટી(ઈમર્જન્સી મેડિકલ ટેકિનશિયન) અને પાઈલટ(એમ્બ્યુલન્સ ડ્રાઈવર) લગભગ ૧૦ જેટલા કોલ લેતા હતા. પરંતુ હવે એક શિફ્ટમાં કોલની સંખ્યા ઘટીને ૩-૪ થઈ ગઈ છે. અને હોસ્પિટલોની બહાર લાગતી લાંબી લાઈનો આનું મુખ્ય કારણ છે.

ઈએમઆરઆઈ દ્વારા સિવિલ હોસ્પિટલની બહાર એક કો-ઓર્ડિનેટરને તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના દર્દીઓને ઓકિસજનની જરૂર હોય છે માટે તેમને ત્યાં ઉતારી દેવા શકય નથી. જયાં સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ના આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. સામાન્યપણે સિવિલ હોસ્પિટલમાં ૨-૩ કલાકનો સમય લાગે છે.

સિવિલ હોસ્પિટલમાં ટ્રાએજની ક્ષમતા ૧૦ દર્દીઓની હતી. ટ્રાએજ એટલે હોસ્પિટલનો એ વિસ્તાર જયાં દર્દીને સૌથી પહેલા લાવવામાં આવે અને નિષ્ણાંત દ્વારા તેની ગંભીરતાને ચકાસવામાં આવે. હવે લાઈનો દ્યટાડવા માટે આ ક્ષમતા વધારીને ૩૫ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન ડોકટર જેપી મોદી જણાવે છે કે, જે દર્દીઓની સ્થિતિ ગંભીર હોય તેમની સારવાર અમે લાઈનમાં જ શરૂ કરી દઈએ છીએ. તેઓ પોતાના વારાની રાહ જુએ ત્યાં સુધી તેમને ઓકિસજન પણ પૂરો પાડવામાં આવે છે.

(11:46 am IST)