ગુજરાત
News of Wednesday, 21st April 2021

અમદાવાદ IIMA માં કોરોના વિસ્ફોટ : એક સાથે 43 લોકોનાં પોઝિટિવ આવતા ફફડાટ

કુલ 118 લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા જેમાંથી 43 લોકોનાં પોઝિટિવ આવ્યા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની ખુબ જ વિકટ સ્થિતી છે. અમદાવાદ શહેર ધીરે ધીરે કોરોના હોટસ્પોટ બનતું જઇ રહ્યું છે. તેમાં પણ દેશની સૌથી પ્રતિષ્ટિત સંસ્થા આઇઆઇએમ પણ ગુજરાત કોરોના દરમિયાન હોટસ્પોટ બનતી જઇ રહી છે. આઇઆઇએમ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આજે બુધવારે આઇઆઇએમમાં કુલ 118 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 43 લોકોનાં કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 130 કેસ એક્ટિવ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં 46 વિદ્યાર્થીઓ, 3 પ્રોફેસર અને ઓન અને ઓફ કેમ્પસનાં કુલ 42, 5 કોન્ટ્રાક્ટર કર્મચારીઓ, 34 કોમ્યુનિટી મેમ્બર સહિતનાં લોકો પોઝિટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આઇઆઇએમ કોરોના મુદ્દે વિવાદમાં આવતું રહ્યું છે. 

અગાઉ આઇઆઇએમનાં 5 વિદ્યાર્થીઓ મેચ જોવા માટે ગયા હતા. તેઓ કોરોના પોઝિટિવ હોવા છતા પરીક્ષાની બીકે કોઇને જાણ કરી નહોતી. જેના કારણે તેઓ સુપર સ્પ્રેડર બન્યા હતા. આઇઆઇએમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જો કે આ અંગે અધિકારીક કંઇ પણ બોલવા માટે તૈયાર નથી. 

કોર્પોરેશન દ્વારા પણ ત્યાં તબક્કાવાર ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. જેમને કોરોનાના લક્ષણો જણાય તેઓ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા. આઇઆઇએમએમાં કુલ 5442 લોકોનાં ટેસ્ટ અત્યાર સુધીમાં કરવામાં આવી ચુક્યા છે. જે પૈકી 383 લોકો કોરોના પોઝિટિવ આવેલા છે. 

(1:18 am IST)