ગુજરાત
News of Monday, 22nd April 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૨૦ દિનમાં ૪૧૦ કેસ થયા

ગરમી વચ્ચે કમળાના ૧૦૫ કેસો સપાટી ઉપર : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છતાં નવા કેસ સપાટી ઉપર

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે માત્ર ૨૦ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટી, કમળા અને ટાઇફોઇડના અનેક કેસો સપાટી ઉપર આવ્યા છે જેથી તંત્રમાં સનસનાટી મચી ગઈ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ શહેરમાં ગરમીથી બચવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કમરકસી લીધી છે. બીજી બાજુ રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. એપ્રિલ ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૦૧૨૯૨ લોહીના નમૂનાની સામે ૨૦ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં ૬૮૩૪૪ લોહીના નમૂનામાં તપાસ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે. એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ગયા વર્ષે ૧૮૧૬ જેટલા સિરમ સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી જેની સામે આ વર્ષે ૨૦ એપ્રિલ સુધીમાં ૯૦૨ સિરમ સેમ્પલોમાં તપાસ કરવામાં આવી છે. માત્ર ૨૦ દિવસના ગાળામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી આનાથી સ્પષ્ટપણે નજરે પડે છે. પાણીજન્ય રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રદૂષિત પાણીથી કોઇ અસર ન થાય તે માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. ક્લોરિન ટેસ્ટ થઇ રહ્યા છે. બેક્ટિરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવા માટે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. માર્ચ ૨૦૧૯માં ૨૨૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૫૯ નમૂના પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાના લીધે હવે અસર દેખાઈ રહી છે.

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ................................................. ૭૯૬૭

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૧૦૬૯

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા...................... ૩૦

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કિલો...... ૨૩૧૦

ક્લોરીન ગોળીઓનું વિતરણ........................ ૫૬૮૮૧

વહીવટી ચાર્જ........................................ ૧૪૧૫૬૫૦

(9:12 pm IST)