ગુજરાત
News of Monday, 22nd April 2019

આઇપીએલ મેચોને લઇ સટ્ટો રમાડતાં ત્રણ શખ્સો ઝડપાયા

ઘરમાં જ ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડતા હતા : પોલીસે રોકડા રૂપિયા, એલઇડી ટીવી અને ત્રણ મોબાઇલ સહિતનો જંગી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ,તા. ૨૨ : શહેરના ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ સાંનિધ્ય ફ્લેટમાં આઇપીએલ ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ શખસોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ઘરની અંદર જ એલઇડી પર ચાલતી આઈપીએલ મેચનું જીવંત પ્રસારણ જોઈ તેના આધારે ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા, એલઇડી ટીવી, ૩ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રામોલ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલ ત્રિમૂર્તિ સાંનિધ્ય ફ્લેટમાં બી-૨૦૨ નંબરમાં જ આઇપીએલ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડાઇ રહ્યો છે. આ બાતમીના આધારે ગઇકાલે પોલીસે મકાનમાં રેડ કરી હતી. પોલીસે દરોડો પાડતાં ઘરની અંદર ત્રણ ઇસમો ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાતી મેચ પર ક્રિકેટ સટ્ટાના ભાવ મોબાઈલ પર લઇ રહ્યા હતા. તે દરમિયાનમાં પોલીસે ઘરમાંથી ૩ મોબાઇલ ફોન, એલસીડી ટીવી, મળી રૂ.૨૩,૦૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આઇપીએલ ટી-૨૦ મેચમાં સટ્ટો રમાડી રહેલા અરુણ જયસ્વાલ (રહે. ત્રિમૂર્તિ સાંનિધ્ય, ન્યૂ મણિનગર) સંદીપ પટેલ (રહે. હરિઓમ શંકર સોસાયટી, રામોલ) અને સંજયસિંહ વાઘેલા (રહે.હેતના પ્લાઝા, વસ્ત્રાલ)ની ધરપકડ કરી હતી.

આરોપી પાસેથી મોબાઈલમાં રહેલ સટ્ટાના ભાવ કપાવી જુદા જુદા ગ્રાહકો પાસેથી સોદા કરતા હોવાની માહિતી પણ સામે આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

(9:11 pm IST)