ગુજરાત
News of Monday, 22nd April 2019

શામળાજી નજીક ટ્રક ટ્રેલરની અડફેટે ભિલોડાના ધુળેટાના યુવાનનું કરૂણમોત

ધુળેટા (પાલ્લા) ગામના શંકર ભાઈ પુનાજી પાંડોર અને કલજી ભાઈ સળુંજી ખરાડી બાઈક લઈ જાબ-ચિતરીયા ગામે જવા નીકળ્યા હતા

શામળાજી: અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નં-૮ પર શામળાજી નજીક ટ્રક ટ્રેલરની અડેફેટે ૪૦ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ભિલોડા તાલુકાના ધુળેટા (પાલ્લા) ગામથી બાઈક પર કામકાજ અર્થે જાબ- ચિતરીયા જઈ રહ્યા હતા ત્યારે  શામળાજી નજીકથી પસાર થતા હિંમતનગર તરફથી આવતા ટ્રક-ટ્રેલરના ચાલકે પાછળથી ટક્કર મારતા પાલ્લાના ૪૦ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયુ હતું શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી બિગત મુજબ ભિલોડાના ધુળેટા (પાલ્લા) ગામના શંકર ભાઈ પુનાજી પાંડોર અને કલજી ભાઈ સળુંજી ખરાડી બાઈક લઈ જાબ-ચિતરીયા ગામે કામકાજ અર્થે નીકળ્યા હતા. શામળાજી આશ્રમ રોડ ચોકડી નજીકથી પસાર થતા હિંમતનગર તરફથી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી ટ્રક-ટ્રેલરના ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતા બાઈક સવાર શંકર ભાઈ પુનાજી ડામોર (ઉં.વર્ષ-૪૦) રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કલજી ભાઈ સળુંજી ખરાડી (રહે,સોનાસણ) ના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી મૃતકની લાશને પીએમ માટે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડી કલજી ભાઈ સળુંજી ખરાડી (રહે,સોનાસણ) ની ફરિયાદના આધારે શામળાજી પોલીસે અજાણ્યા ટ્રક-ટ્રેલર ના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી. અકસ્માતની ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ શામળાજી રેફરલ હોસ્પિટલમાં પહોંચી રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

(7:14 pm IST)