ગુજરાત
News of Monday, 22nd April 2019

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઇ

જોકે, બંને નેતાઓએ શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું

રાજકોટ, તા.૨૨: ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા છે પરંતુ રાજકારણનો પારો ચમરસીમાં પર છે. આ બધાની વચ્ચે મતદાનના ચોવીસ કલાક પહેલાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યાં છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ગઈકાલે રાત્રે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ વચ્ચે નરેશ પટેલના નિવાસસ્થાને મીટિંગ થઈ હતી.

આ મુલાકાત ભકિતનગરની ઓફિસ ખાતે થઈ હતી જેમાં બંને નેતાઓએ શુભેચ્છા મુલાકાત થઈ હોવાનું કહ્યું હતું. જોકે એક અહેવાલ મુજબ બંને નેતા વચ્ચે નરેશ પટેલના નિવાસસ્થાને મુલાકાત થઈ હતી અને આ મુલાકાત સવારે ૨.૦૦ વાગ્યે સુધી ચાલી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ આ બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલ મુકિત સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. પરંતુ રાજકોટ ખાતે થયેલી મુલાકાતને બંને નેતાઓએ ફકત શુભેચ્ચા મુલાકાત ગણાવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની અમદાવાદમાં યોજાયેલી સભામાં થયેલા હોબાળા બાદ પાટીદારો માટે અલ્પેશ કથીરિયાની જેલ મુકિત મહત્ત્વનો મુદ્દો બની ગયો છે ત્યારે આ મુલાકાતનું રાજકીય પરિણામ શું આવે છે તેના પર સૌની નજર રહેશે.

અગાઉ ગઈકાલે પાસના કન્વીનર દિલીપ સાબવાએ હાર્દિક પટેલ પર ગંભીર આરોપો કર્યા હતા અને પાટીદારોને આંદોલનની યાદ અપાવી હતી. તેમણે આંદોલનમાં શહીદ થયેલા લોકો વગેરેના મુદ્દે વાત કરી હતી. સાબવાએ પણ અલ્પેશ કથીરિયાની જેલ મુકિતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હાર્દિક પટેલ પર અનેક આક્ષેપો મૂકયા હતા. હવે જયારે હાર્દિક પટેલ અને નરેશ પટેલની મુલાકાતના સમાચારો આવી રહ્યાં છે ત્યારે ગુજરાતના રાજકારણમાં તેની શું અસર થશે તે તો જોવું જ રહ્યું.

(4:14 pm IST)