ગુજરાત
News of Monday, 22nd April 2019

દેખ ચુનાવી વર્લ્ડ કપ કા સજા ગયા મૈદાન, ટ્રોફી ઈસ કી પાને કો સબ નેતાગન પરેશાન, સોચ રહે હૈ સબ, કૈસે મતદાતા કો રીઝાયે, કમ ઓવરમેં અબ કૈસે રન તેજી સે બનાયે...

કાલે ગુજરાતમાં લોકશાહીનો વર્લ્ડ કપ

આજે 'નેટ' પ્રેકટીસની રાતઃ કાલે સવારે ૭ વાગ્યાથી ૨૬ લોકસભા બેઠકો અને ૪ ધારાસભા બેઠકો પર મતદાન

રાજકોટ, તા. ૨૨ :. સમગ્ર દેશની દિશા નક્કી કરનારી લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કે આવતીકાલે મંગળવારે ૧૧૫ બેઠકો પર મતદાન થનાર છે. તેમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી રૂપી વર્લ્ડ કપ પૂર્વે આજે રાજકીય રોમાંચ વ્યાપી ગયો છે. ગુજરાતમાં કાલે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી ૨૬ લોકસભા બેઠકો માટે અને ધારાસભાની ૪ બેઠકો માટે મતદાન થનાર છે. રાજકીય પક્ષો ઉપરાંત ચૂંટણી પંચ અને સુરક્ષા તંત્ર કાલના મતદાન માટે સજ્જ છે.

ગુજરાતમાં ચાર કરોડ, એકાવન લાખ, પચ્ચીસ હજાર જેટલા મતદારો છે. ૫૧૦૦૦ જેટલા મતદાન મથકો છે. ૩ લાખથી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. મુકત અને ન્યાયી ચૂંટણી માટે ચૂંટણી પંચે વિવિધ પગલા ભર્યા છે. તમામ મતદારો લોભ-લાલચ કે ભય વગર મતદાન કરે તેવી ચૂંટણી પંચે અપીલ કરી છે. લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશનંુ પરિણામ અસરકર્તા હોય છે પરંતુ દેશના વર્તમાન રાજકારણમાં ગુજરાતનું અભૂતપૂર્વ મહત્વ હોવાથી ગુજરાતનું પરિણામ વિશેષ ધ્યાન ખેંચનારૂ બનશે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો ભાજપને મળેલ. આ વખતે ભાજપ-કોંગ્રેસ-બસપા, હિન્દુસ્તાન નિર્માણ પાર્ટી વગેરે ઉપરાંત અપક્ષો મેદાને છે. કુલ ૩૭૧ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ૪ ધારાસભ્યોના રાજીનામાના કારણે ઉંઝા, જામનગર ગ્રામ્ય, હળવદ અને માણાવદરની બેઠક ખાલી પડતા ત્યાં પણ આવતીકાલે મતદાન છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સ્પર્ધા દેખાય છે. જોરશોર ચૂંટણી પ્રચાર બાદ આવતીકાલે ઉનાળાના ધોમધખતા તાપમાં જનાદેશ મત મશીનમાં કેદ થનાર છે. ગઈકાલે સાંજે પ્રચારના પડઘમ શાંત થયા બાદ આજે વ્યકિતગત અને જુથ સંપર્ક પર કાર્યકરોએ અને ઉમેદવારોએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રાજકીય રીતે કતલની ગણાતી રાત આજે છે. આવતીકાલના મતદાન પૂર્વે છેલ્લી કલાકોમાં પાસા પલટવા ઉમેદવારો અને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યુ છે. બન્ને પક્ષના રાષ્ટ્રીય નેતાઓના ઝંઝાવાતી પ્રચાર છતા મતદારોએ મન કળાવા દીધુ નથી. આવતીકાલે મતદારો પોતાનો ફેંસલો આપી દેશે. જનાદેશ શું છે ? તે જાણવા માટે ૨૩ મે સુધીની રાહ જોવી પડશે.

(12:10 pm IST)