ગુજરાત
News of Monday, 22nd April 2019

બાતમીદાર સાથે પોલીસે ભોંયરૂ-૧૦૦ બોટલ દારૂ મળે તો પ૦,૦૦૦ આપવાની ડીલ કરેલ

વડોદરા તાલુકાના સોખડામાંથી ૧૦*૧૦ના ભોંયરામાંથી મળેલ લાખો રૂપીયાના દારૂના દરોડાની ભીતરની કથાઃ કોઇ પણ ભોગે ચૂંટણી અગાઉ દારૂ પકડવા માટે પોલીસ કટીબધ્ધ હતીઃ વડોદરા એસપી તરૂણકુમાર દુગ્ગલના માર્ગદર્શનમાં સિનીયર પીએસઆઇ જયદીપ બારોટ ટીમને જબ્બર સફળતા

રાજકોટ, તા., ૨૨: વડોદરા તાલુકાના સોખડાના કુવિખ્યાત બુટલેગરના ઘર પર  વડોદરા જીલ્લાના એસપી તરૂણકુમાર દુગ્ગલની બાતમી અને માર્ગદર્શન હેઠળ સિનીયર પીઆઇ જયદીપ બારોટ અને ટીમે ચોક્કસ બાતમીના આધારે ૪પ૧ર બોટલ કે જેની અંદાજીત કિંમત ૭.ર૦ લાખ છે તે રસોડામાં આવેલ ર*૨ ફુટના દરવાજા તથા જેની નીચે ૧૦*૧૦ ફુટનું ભોયરૃં મળી આવ્યું તેવા ગુજરાતભરમાં ચકચારી બનેલ મામલામાં પોલીસે રસોડા નીચે ગોડાઉન જેવું છુપુ ભોયરૃં શોધવા માટે બાતમીદારને તમામ પોલીસ ટીમે કોન્ટ્રીબ્યુશન કરી રૂ. પ૦ હજાર ચુકવી રેઇડ સફળ બનાવ્યાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જલારામ સોસાયટીમાં લાલા રમેશભાઇ નામના કહેવાતા કુવિખ્યાત બુટલેગરને ત્યાં મોટો વિદેશી પ્રકારના દારૂનો જથ્થો ઉતર્યાનું અને આ જથ્થો ઘરમાં રસોડાના  નીચે ૧૦*૧૦ના ભોંયરામાં છુપાવ્યાની હકીકત મળી હતી. આવડુ મોટુ ગોડાઉન જેવું ભોયરૃં હોવાની બાબત પોલીસને પ્રથમ તબક્કે ગળે ઉતરતી ન હતી. પોલીસના બાતમીદાર મક્કમ હતો. આથી એસપી  તરૂણકુમાર દુગ્ગલ આવી મહત્વની રેઇડ કોઇ પણ ભોગે કરવા મક્કમ હતા. આથી તેઓએ આ માટે સિનીયર પીએસઆઇ જયદીપ બારોટને સમગ્ર ઓપરેશન સુપ્રત કર્યુ. બાતમીદારને જો તેની બાતમી મુજબ ભોંયરામાંથી દારૂ મળે અને તે ૧૦૦ બોટલથી વધુ હોય તો પ૦,૦૦૦ રૂપીયા આપવાની ડીલ કરી, બીજી તરફ બુટલેગરે પણ ૧૦૦ થી ઓછી વિદેશી પ્રકારના દારૂની બોટલ મળે તો એક પણ પૈસો નહિ લ્યે તેવું પોલીસને જણાવ્યું.

આમ વડોદરા જીલ્લાના કાર્યદક્ષ પોલીસવડા તરૂણકુમાર દુગ્ગલ અને વડોદરા  તાલુકાના સિનીયર પીએસઆઇ જયદીપ બારોટ પોલીસ ટીમ સાથે લાલાના મકાન પર ત્રાટકયા. પોલીસને છુપુ ભોંયરૂ મળ્યું. ૪પ૧ર બોટલ તો મળી સાથોસાથ  બંગલાના પાર્કીગમાં રહેલી કારમાંથી ૪૮ પેટી વિદેશી પ્રકારના દારૂની તથા ત્યાં પાર્ક થયેલ એકટીવામાંથી ૪૮ બોટલ દારૂ મળી આવ્યો. પોલીસને આઇશર વાહનમાં દારૂની  ડીલીવરી થવાની હતી તેવી માહીતી મળી અને આમ પોલીસે ચુંટણીના મતદાન અગાઉ જ દારૂનો મોટો જથ્થો પકડવામાં આ રીતે મોટી સફળતા સાંપડી હતી.

બંગલામાંથી પોલીસને લાલો મળી આવ્યો ન હતો. પરંતુ તેની પત્ની વર્ષાબેન પણ દારૂના ધંધામાં સામેલ હોવાના પુરાવા આધારે વડોદરા તાલુકા પોલીસે તેની ધરપકડ  કરી હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.

(12:08 pm IST)