ગુજરાત
News of Monday, 22nd April 2019

કાલે ગુજરાતમાં ૩૭૧ ઉમેદવારો વચ્ચે જામશે જંગઃ ૬૦% ઉમેદવારો ૬-૧૨ સુધી ભણ્યા છે

ભાજપના ૨૪ અને કોંગ્રસના ૨૩ ઉમેદવારો કરોડપતિઃ ૨૮ મહિલા ઉમેદવારો છેઃ ૧ કિન્નર પણ મેદાનમાં

નવી દિલ્હી, તા.૨૨: લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ત્રીજા તબક્કાના મતદાનને લઇ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.  ગુજરાતમાં ૨૩ એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીની ૨૬ બેઠકો માટે ૩૭૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ ૩૭૧માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા ૨૮ એટલે કે માત્ર ૮ ટકા છે. સ્વતંત્ર રાજયનો દરજજો મળ્યા બાદ લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો છે.

આ વખતે ૧ ઉમેદવાર કિન્નર છે, જયારે ૩૪૨ પુરુષો ઉમેદવાર છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૨૦૦૯માં ૨૬ મહિલાઓએ ઝંપલાવ્યું હતું, જયારે આ વખતે ૨૮ મહિલાઓ મેદાનમાં છે. કુલ ૨૮ મહિલા ઉમેદવારોમાંથી ૭ મહિલાઓ કરોડપતિ છે. ૨૦૧૪માં ગુજરાતમાંથી ૫ કરોડપતિ મહિલા ઉમેદવારો હતો.

એડીઆરના રિપોર્ટ પ્રમાણે મહિલા ઉમેદવારો ઓછી સંપત્તિ ધરાવે છે અને તેઓના ગુનાનું પ્રમાણ પણ ઓછું છે. કોંગ્રેસના અમદાવાદ પૂર્વના સાંસદ ગીતાબેન પટેલ પર સૌથી વધુ ૬ કેસો છે. જયારે ૩૭૧ ઉમેદવારોમાંથી ૬૦ ટકા ઉમેદવારોનું શિક્ષણ ૫ થી ૧૨ ચોપડી વચ્ચે છે. જયારે ૭ નિરક્ષર છે.  ૧૯ ઉમેદવારો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. ૩૩ ઉમેદવારો પાંચમુ પાસ, ૭૨ ઉમેદવારોએ ૮માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ૫૯ ઉમેદવારો ૧૦મું પાસ છે તો ૫૭ ઉમેદવારો ૧૨ પાસ છે. ૪૭ ઉમેદવારો ગ્રેજયુએટ, ૨૭ પોસ્ટ ગ્રેજયુએટ અને ૩ ડોકટરેટ છે.

ગુજરાતના ૩૭૧ ઉમેદવારોની રસપ્રદ વિગતો ભાજપના સૌથી વધુ ૨૪ અને કોંગ્રેસના ૨૩ ઉમેદવારો કરોડપતિ

સૌથી વધુ ૨૬ ટકા ઉમેદવારોએ તેમનો વ્યવસાય ખેતી દર્શાવ્યો છે. ૧૯ ટકાએ બિઝનેસ , ૧૪ ટકાએ મજૂરી કરતાં હોવાનું જણાવ્યું છે. ૪ ટકા ઉમેદવારોએ ખેતી-બિઝનેસ બંને તેમનો વ્યવસાય દર્શાવ્યો છે. ૫ ટકાએ સામાજિક કાર્યકર હોવાનું જણાવ્યું છે, જયારે ૮ ટકા નોકરી કરે છે અને ૬ ટકા નિવૃત્ત છે.

દાહોદના અપક્ષ ઉમેદવાર દેવધા સમસુભાઈએ મિલકત ઝીરો દર્શાવી છે.

કુલ ૩૨ ઉમેદવારો પાન કાર્ડ નંબર આપ્યો નથી.

(10:05 am IST)