ગુજરાત
News of Monday, 22nd April 2019

ગુજરાત : મતદાનને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા રહેશે

મતદારોની સુવિધા માટે પણ વિવિધ પગલાં : સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફીની સુવિધાઓ : અતિ સંવેદનશીલ મથકો પર તમામ ગતિવિધિ પર નજર રહેશે

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટા ચૂંટણી તા.૨૩મી એપ્રિલે મંગળવારે યોજાનાર છે ત્યારે રાજય ચૂંટણી તંત્ર દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. તો, રાજયની લોકસભા ચૂંટણીનો તબક્કો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને સમગ્ર રાજયમાં મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે હેતુથી સ્થાનિક પોલીસ, સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોના જવાનો સહિતના સુરક્ષા જવાનો સાથે સલામતી વ્યવસ્થા પણ જડબેસલાક રીતે તૈનાત કરાઇ છે. સીસીટીવી કેમેરા, વીડિયોગ્રાફી સહિતની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી રખાઇ છે. રાજય ચૂંટણી તંત્રના માર્ગદર્શન અને સૂચના અનુસાર, સમગ્ર રાજયમાં તમામ ૨૬ લોકસભા બેઠકને લઇ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સંબંધિત તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે અને તા.૨૩મી એપ્રિલના મંગળવારના મતદાનને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથક પર સીસી ટીવી કેમેરા દ્વારા તમામ હિલચાલ પર સતત નજર રખાશે. આવતીકાલે સોમવારે સવારે તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરી દેવાશે. તો, ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રહેશે. તો, મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ અને વીવીપેટ રાખવા માટેના સ્ટ્રોંગ રૂમ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવાઇ છે. ખાસ કરીને સ્ટ્રોંગ રૂમ માટે તો લોખંડી અભેદ્ય કવચ ખડકી દેવાયું છે.

ર૪મી એપ્રિલના રોજ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા દૂરનાં મથકોથી અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત કરવા પહોંચે છે. તેમની ફરજના લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને તા. ર૪ એપ્રિલ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મીઓને ફરજ પર ગણીને રજા આપવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી અને  મતદાન દરમ્યાન એકેએક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર બાજ નજર રાખવામાં આવશે

(9:25 pm IST)