ગુજરાત
News of Friday, 22nd March 2019

ભારતીય સંસ્કૃતિ ગજબની છે, આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય. : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી: ભગવાને ગુજરાતમાં ઉજવાતા તમામ ધાર્મિક પર્વોને ઉત્સવમાં ફેરવી નાંખેલ છે. : પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

કેસુડાના જળ અને મૂર્તિઢગ ગુલાબની પાંખડીઓથી ઘનશ્યામ મહારાજનું પૂજન: ૫૦૦૦ ભકતોની ઉપસ્થિતિમાં મેમનગર ગુરુકુલમાં ઉજવાયેલ ફુલદોલોત્સવ

અમદાવાદ તા. ૨૨: પરંપરાગત પ્રમાણે, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી તથા ૫૦૦૦ ઉપરાંત હરિભકતોની  ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નરનારાયણ દેવ જન્મોત્સવ યાને ફુલદોલોત્સવ અાનંદ સભર ઉજવાયો હતો

    ઠાકોરજીને ફુલના હિંડોળામાં ઝુલાવ્યા બાદ ષોડશોપચારથી પૂજન સાથે ઠાકોરજીને ૧૫૦૦ કિલો ફુલોની પાંખડીઓથી પુષ્પનો અભિષેક કરવામાં આવ્યો હતો.

    સત્સંગ પ્રચારાર્થે અમેરિકા વિચરણ કરી રહેલ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ફુલદોલનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે. તેઓ અનેક જીવના કલ્યાણ માટે પ્રગટ થયા છે. તેમણે ઉત્સવોને કલ્યાણનું સાધન બનાવ્યું છે.

    ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય.

    આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા વડતાલ સાળંગપુર વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે. જ્યારે ભગવાન પોતે પીચકારી લઇ હરિભકતો અને સંતો ઉપર કેસુડાના રંગનો છંટકાવ કરતા હોય ત્યારે હજારો માણસોનો સમુદાય ભગવાનના દિવ્ય સ્વરુપ અને લીલાનો આનંદ માણતા હોય એ અવસર અદભૂત હોય છે.

    આ પ્રસંગે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતુ કે આજે અાનંદનો ઉત્સવ છે. તેમાંય વળી ભરતખંડના રાજા નરનારાયણદેવનો જન્મદિવસ છે.

    પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, ભગવાને ગુજરાતમાં ઉજવાતા તમામ ધાર્મિક પર્વોને ઉત્સવમાં ફેરવી નાંખેલ છે તેનું કારણ તેના મૂળ પરમ આનંદરુપ પરમાત્મા સાથે જોડાયેલ છે. અરે ભગવાને તો લગ્ન પ્રસંગે બોલાતા ફટાણા બંધ કરાવીને ફટાણાને બદલે સંતોના ગીતથી લગ્ન પ્રસંગને ભકિતમય બનાવી દીધું. અંતમાં  મેેેેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ હોળી નૃત્ય કર્યું હતું.

    પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ ૫૦૦૦ ઉપરાંત ભકતોને કેસુડાના જળ અને ગુલાબની પાંખડીઓથી વધાવ્યા હતા. હસમુખ પાટડીયા અને દર્શનપ્રિયદાસજી સ્વામી દ્વારા હોળીના કિર્તનોની રમઝટ સાથે સંતોએ રાસની રમઝટ બોલાવી હતી. તમામ હરિ  ભકતોને ખજુર અને ધાણીનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો.

 

(12:17 pm IST)