ગુજરાત
News of Saturday, 22nd February 2020

સુરત સિવિલ હોસ્પિટલમાં માનવતા શર્મસાર : ટ્રોમા સેન્ટરની ચાવી ન મળતા મૃતદેહ દોઢ કલાક રઝળ્યો

આખરે સર્વન્ટની મદદથી કુલિંગ રૂમનું તાળું તોડવું પડ્યું

સુરત સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે.. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની ચાવી ના મળતા મૃતદેહ દોઢ કલાક રઝડતો રહ્યો હતો. લિંબાયતના વિનોબા નગરમાં રહેતા 50 વર્ષીય રાવસાહેબ પાટીલને લીવર અને મગજની બીમારીને કારણે ત્રણ દિવસ અગાઉ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

  જોકે, સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ ના કુલિંગ રૂમમાં ખસેડવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે દોઢ - દોઢ કલાક સુધી પોસ્ટ -મોર્ટમ રૂમની ચાવી ના મળતા પરિવાર મૃતદેહને લઈ ટ્રોમાં સેન્ટર બહાર રઝળતું રહ્યું હતું. પરિવારજનો દ્વારા મૃતદેહ ને પોસ્ટ- મોર્ટમ રૂમમાં મુકવા અવાર નવાર રજુવાત કરવામાં આવી હતી.

પરંતુ હોસ્પિટલનુ તંત્ર માત્ર ને માત્ર એકબીજાને ખો આપવામાં વ્યસ્ત રહ્યું હતું. અતેં પરિવારે હોસ્પિટલના સર્વન્ટની મદદથી પોસ્ટ -મોર્ટમના કુલિંગ રૂમને મારેલ તાળું તોડવાની ફરજ પડી હતી. ત્યારે સિવિલના વહીવટી તંત્રની લાલિયાવાડીના કારણે મૃતકના પરિવારમાં રોષ ફેલાયો હતો.

(1:58 pm IST)