ગુજરાત
News of Friday, 21st February 2020

ટ્રમ્પના કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓને બસમાં સામૂહિક રીતે સાથે જવું પડશે

કોન્વે અને લાલ લાઇટવાળી ગાડીમાં જ નહીં પોતાની કાર પણ લઇને નહિ જવાનું: મુખ્યમંત્રીના બંગલે પહોંચી જવા દંડકની સૂચના

 

અમદાવાદ : ગાડીઓની લંગારવાળા કોન્વે અને લાલ લાઇટવાળી ગાડીમાં આવવા જવા માટે ટેવાયેલા ગુજરાત સરકારના મંત્રીઓને ટ્રમ્પના કાર્યક્રમમાં મોટરોનો કાફલો તો નહીં મળે પરંતુ અલાયદી પોતાની મોટર પણ લઈ જવાની નહીં રહે તેવી સૂચના સરકાર તરફથી મળી છે. દરેક મંત્રીઓને એક બસમાં સામૂહિક રીતે સાથે જવું પડશે એવો પ્રોગ્રામ જાહેર કરાયો છે.

  પત્રકારોને જ્યારે વીવીઆઇપીના કાર્યક્રમમાં કવરેજ માટે જવાનું હોય ત્યારે કોઈ એક ચોક્કસ સ્થળે એકત્ર થવાનું કહી દેવામાં આવે છે. અને ત્યાંથી એક જ બસમાં કાર્યક્રમના સ્થળે લઇ જવાતા હોય છે. તે પેટર્ન મુજબ મંત્રીઓને પણ તારીખ ૨૪ ફેબ્રુઆરીના મંગળવારે સવારે ૯:૦૦ વાગ્યે ગાંધીનગર ખાતે સેક્ટર ૨૦મા મુખ્યમંત્રીના બંગલે પહોંચી જવા માટેની સૂચના સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી છે

  મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ૯:૦૦ વાગ્યે એક બસ ઉપડશે અને તેથી જો શક્ય હોય તો મંત્રીઓએ આગલા દિવસે એટલેકે તારીખ ૨૩ ફેબ્રુઆરીએ રાત્રે ગાંધીનગર પહોંચી જવાનું રહેશે.

(12:40 am IST)