ગુજરાત
News of Friday, 22nd January 2021

કપાસિયા પર સનફ્લાવરના સ્ટીકરવાળા તેલના ડબ્બા જપ્ત

કડીમાં પોલીસની કડક કાર્યવાહી : કડી ખાતેના માર્કેટ યાર્ડમાં તેલનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાંથી તેલના ડબ્બા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ

કડી, તા. ૨૨ : કડીના માર્કેટયાર્ડમાં રાંદલ કૃપા નામની પેઢીમાંથી કપાસિયા તેલ ભરેલા ડબ્બા ઉપર સનફલાવરના સ્ટીકર લગાવેલા તેલના ડબ્બા ઝડપાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાંદલકૃપા નામની પેઢીથી ખાદ્ય તેલનો વેપાર કરતા રાજેશ અમરત પટેલના નરસિંહપુરા ગામના લાભ એસ્ટેટ ગોડાઉનમાં પોલીસની રેડમાં કપાસિયા તેલ ભરેલા ડબ્બા ઉપર સન ફલાવર લગાવીને વેંચતા  ડબ્બા ઝડપાઈ ગયા હતા. પોલીસે રાંદલ કૃપાના માલિક પાસે તેલના ડબ્બાના બિલ માગતાં રાજેશ પટેલે આંબલિયાસણ ગામના વેપારી પટેલ મયુરે આપ્યા હતા તેમજ તેનું બિલ માગતા પછી આપીશ તેવું જણાવ્યું હતું.

મયુર પટેલ પાસેથી લીધેલ તેલના ડબ્બા રાજેશ પટેલે આંબલિયાસણના કેલાદેવી મોલના માલિક દીપકને વેચ્યા હતા. જેમણે બીજા દિવસે કપાસિયા તેલના ડબ્બા ઉપર સન ફલાવરનું સ્ટીકર લગાવેલ હોવાનું જણાવતાં પાછા મોકલ્યા હતા. જેને તેમણે લાભ એસ્ટેટમાં મુક્યા હતા.

આથી રાજેશભાઈએ મયુરભાઈને કહેતાં તેમણે નકલી નહિ હોવાનું કહી પાછા લઈ જવાની વાત કરી હતી પરંતુ ગોડાઉન પર પોલીસની રેડ પડતાં તેમણે પોલીસને હકીકતથી વાકેફ કરી કડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

(7:41 pm IST)