ગુજરાત
News of Friday, 22nd January 2021

કડીમાં વેપારીએ કપાસિયા તેલના ડબ્બા પર ફ્રોચ્યુન ફ્લાવર તેલના સ્ટીકર લગાવી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

કડી: શહેરના એક વેપારીના ગોડાઉનમાં પોલીસે કરેલી રેડમાં કપાસીયા તેલના ૨૫ ડબ્બા ઉપર ફોર્ચ્યુન ફ્લાવર તેલના  સ્ટીકર લગાવેલા હોવાનું સામે આવ્યું હતું. જેથી અંગે તેલનો જથ્થો પુરો પાડનાર આંબલિયાસણના વેપારી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે કડી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી  છે.

કડીના માર્કેટયાર્ડમાં રાજેશભાઈ અમરતભાઈ પટેલ ટ્રેડીંગ કંપનીના નામે ખાદ્ય તેલનો વેપાર કરે છે. તેઓએ આંબલિયાસણમાં તેલના જથ્થાબંધ વેપાર કરતા પોતાના મિત્ર મયુર મનુભાઈ પટેલના કહેવાથી તેમની પાસેથી દસેક દિવસ પહેલા ફોર્ચ્યુન કંપનીના ૨૫ ડબાની  ખરીદી કરી હતી. ત્યારબાદ અન્ય વેપારીએ રાજેશભાઈ પાસે વિવિધ પ્રકારના તેલના જથ્થાનો ઓર્ડર આપ્યો હતો. જેથી તેમણે ફોર્ચ્યુન તેલના ૨૫ ડબા સહિતનો માલસામાન તેમને મોકલાવ્યો હતો. જોકે ફોર્ચ્યુન તેલના ડબાનું પેકીંગ યોગ્ય નથી તેમજ ડબામાં કપાસીયા તેલ હોવાનું જણાતા તેમણે ૨૫ ડબા પરત મોકલી આપ્યા હતા. દરમિયાન રાજેશભાઈ પોતાના ગોડાઉન પર હાજર હતા તે વખતે પોલીસે રેડ કરતાં સમગ્ર છેતરપીંડીનો પર્દાફાશ થયો હતો. જેમાં કપાસીયા તેલ ભરેલ ડબ્બા ઉપર ફોર્ચ્યુન ફ્લાવર તેલના માર્કાના બનાવટી સ્ટીકર લગાવી છેતરપીંડી આચરવામાં આવી હોવાનું માલુમ પડયું હતું. જેથી અંગે તેમણે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:55 pm IST)