ગુજરાત
News of Friday, 22nd January 2021

સાઈબર માફીયાઓ સામે અંતે CID દ્વારા જંગનું બ્યુગલ ફૂંકાયું

સાઈબરનું જ્ઞાન ધરાવતા સાડા ચાર હજારથી વધુ યુવાનો અભિયાનમાં સામેલ નાના ગામે જઈ લોકોને જાગૃત કરશેઃ ઓનલાઈન પોલીસ મથકો બાદ હવે ૨૪ કલાક ઓનલાઈન ફરિયાદો લેવાશે : સીઆઈડી વડા તેજપાલસિંહ બીસ્ત દ્વારા જાહેરાતઃ કચ્છમાં સપાટો બોલાવ્યો હતો તેવા કાર્યદક્ષ આઈજી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ તોલંબિયા ટીમને મહત્વની જવાબદારી સાથે મેદાને ઉતાર્યા

રાજકોટ. તા.૨૨: સમગ્ર ગુજરાત દેશના અન્ય ભાગો માફક ડિજિટલ યુગમાં પ્રવેશી જવા સાથે સાઇબર માફીયાઓ પણ પ્રવેશ કરી આવી ઓન લાઈન ઝડપી અને સુંદર સેવાઓને ગ્રહણ લગાવી લોકો સાથે અનેક પ્રકારે ફ્રોડ કરતા હોવાથી આખરે સીઆઈડી ક્રાઈમનાં આર્થિક ગુન્હા નિવારણ યુનિટ મારફત લોકોમાં જાગૃતિ લાવવા સાથે જાગૃત અને જાણકાર લોકોને પોતાના અભિયાનમાં જોડી સાયબર માફીયાઓ સામે એલાને જંગનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે.         

 રાજ્યના સીઆઈડી વડા તેજપાલ સિહ બિસ્ત દ્વારા લોકો વધુ ને વધુ જાગૃત થાય તે માટે મીડિયા ની મદદ લેવા સાથે એકસપર્ટ યુવાન વોલિયન્ટરની આખી ફોજ ઊભી કરી તે માટે ની રજીસ્ટર પ્રક્રિયા શરૂ કરી છે.                                                 

રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ એવા આઇજી સુભાષ ત્રિવેદી અને તેમની સાથે કચ્છમાં ઉમદા કામગીરી બજવાનાર સૌરભ તોલંબિયા ટીમ ને મહત્વની ફરજ સીઆઈડી વડા દ્વારા સુપરત કરવામાં આવી છે.                

 સૂત્રો માંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઈડી ક્રાઈમ ના આર્થિક ગુન્હા નિવારણ વિભાગ દ્વારા સાડા ચાર હજારથી વધુ યુવાનોને આ કાર્યમાં જોડવામાં આવશે તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય છે.

સીઆઈડી ક્રાઈમ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો મુજબ, રાજયના તમામ જિલ્લામાં ત્રણ પ્રકારે વોલેન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી રહી છે. સાયબર વોલેન્ટિયર્સ લોકોને એકત્ર કરીને લોકોમાં મોબાઈલના ઉપયોગ અને ઈ-ટ્રાન્ઝેકશન સલામત રીતે કરવા અંગે જાણકારી આપશે. જયારે સોશિયલ મિડીયા અંગે અવેરનેસ માટે થઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે વોલેન્ટિયર્સ જઈને લોકોમાં જનજાગૃતિ કેળવશે. જયારે સાયબર ક્રાઈમના નિષ્ણાંત વોલેન્ટિયર્સ આવી ગુનાખોરી રોકવામાં સીઆઈડીને મદદ કરશે. સાયબર ડીગ્રી, ડિપ્લોમા કે એમ-ટેકનો અભ્યાસ કરેલાં કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટની જાણકારી ધરાવતાં હોય તેવા ત્રણ પ્રકારના વોલેન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી રહી છે.

અત્રે યાદ રહે કે ઓન લાઈન બેંક ફ્રોડ અને એટીએમ મશીન સાથે ચેડાં એન કેન પ્રકારે જે રીતે લોકો પાસેથી સિફતપૂર્વક પિન અને એકાઉન્ટસ નંબર બનાવતી ફોન કોલ દ્વારા મેળવાય છે તે સામે જાગૃતિ લાવવા સઘન પ્રયાસો છે.                         

હાલ અલગથી સાયબર પોલીસ મથક કાર્યરત છે.પરંતુ લોકો ૨૪ કલાક દરમિયાન ગમે ત્યારે ફરિયાદ કરી શકે તે માટે ઓન લાઈન સેવાઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા શર થાય છે.

(3:57 pm IST)