ગુજરાત
News of Friday, 22nd January 2021

પાટણના સરહદી વિસ્તારમાંથી POKના ટેગ વાળું શંકાસ્પદ પક્ષી મળી આવ્યું

 પાટણ, તા. રર : રાજ્યના સરહદી જિલ્લામાંથી શંકાસ્પદ ટેગ વાળું પક્ષી મળી આવતા દોડધામ થઈ છે. પક્ષીના પગમાંથી મળી આવેલા ટેગના કારણે અનેક શંકાઓ ઉપજી રહી છે. જોકે, આ ટેગ કોઈ ઇલેકટ્રોનિક ટેગ નથી પરંતુ તેમ છતા તેમાં POK લખાણના કારણે વનવિભાગને જાણ કરવામાં આવી છે. પક્ષી અરબ પ્રદેશનું હોવાનું જાણકારોનું કહેવું છે.

બનાવની વિગત એવી છે કે સરહદી વિસ્તારમાંથી ટીલોર નામનું એક પક્ષી શંકાસ્પદ ટેગ સાથે મળી આવ્યું હતું. જોકે, પક્ષીના પગમાં જે ટેગ હતો તેને લઈને સ્થાનિકોને ચિંતા થતા તેમણે વીડિયો તૈયાર કરી અને વનવિભાગને મોકલી આપ્યો હતો. પક્ષીના એક પગમાં ગોળ ટેગ મૂકવામાં આવ્યો છે. આ ટેગમાં POK  લખ્યું છે. જોકે, સાંતલપુરના સરહદી વિસ્તારમાં આ પક્ષીને અરબ પ્રદેશનું પક્ષી માનવામાં આવે છે. જોકે, તેનું સાયન્ટિફિક નામ શું છે તે તો પક્ષીવિદો જ કહી શકે છે.

અગાઉ સરહદી વિસ્તારોમાં જીઓ ટેગિંગ વાળા પક્ષીઓ પણ મળી આવ્યા છે ત્યારે આ ટીલોરને જોતા ગ્રામજનોને કુતૂહલ સર્જાયું હતું. જોકે, જાણકારો કહે છે કે આવા ટેગ પક્ષીની લુપ્ત થતી પ્રજાતિ હોય તો પણ ઓળખ માટે લગાડવામાં આવતા હોય છે. ખોરાક અને આબોહવાના કારણે પક્ષીઓ હજારો કિલોમીટરના પ્રવાસ કરતા હોય છે ત્યારે આ પક્ષી પણ તેવી રીતે આવ્યું હોવાની શક્યતા છે.

(2:55 pm IST)