ગુજરાત
News of Wednesday, 22nd January 2020

અબડાસાના ધારાસભ્યના પુત્રએ હવામાં ફાયરીંગ કર્યુ

૧૨ બોરની ગનના વીડિયો વાઈરલ થતાં તપાસ : જયદીપસિંહે હવામાં ફાયરિંગ કર્યાના વીડિયો સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયો અપલોડ કરતાં ચકચાર

અમદાવાદ,તા. ૨૨ : કચ્છના અબડાસાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજા હવામાં ધડાધડ ફાયરિંગ કરતો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. જયદીપસિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફાયરિંગના વીડિયો અપલોડ કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકાયા બાદ તમામ વીડિયો વાઈરલ થયા છે. જો કે આટલું બધુ થવા છતાં પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણેય વીડિયો હોવાના કારણે હવે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ આરંભી છે. ઈન્સ્ટાગ્રામ પર જયદીપસિંહે વીડિયો અપલોડ કર્યા છે તેમાં રિવોલ્વરથી ૩ રાઉન્ડ ફાયરીંગ, બંદૂકથી એક રાઉન્ડ ફાયરીંગ અને ૧૨ બોર ગનથી ધડાધડ ૨ રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાનું સ્પષ્ટ થાય છે.

              ધારાસભ્યના પુત્ર દ્વારા ધડાધડ ફાયરીંગ કરીને વીડિયો સોશ્યલ પ્લેટફોર્મ પર મૂકાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. અગાઉ પશ્ચિમ કચ્છમાં પોલીસે હાથમાં હથિયાર રાખી સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી મૂકનાર સામે કાર્યવાહી કરી હતી. ત્યારે આજે વાઈરલ થયેલા વીડિયો બાબતે હવે પોલીસની ન્યાયી કાર્યવાહીની રાહ જોવાઇ રહી છે. પુત્ર દ્વારા ત્રણ વીડિયોમાં ફાયરીંગ કરતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બહું ખોટું કહેવાય એવું ન કરવું જોઈએ. બંદૂક લાયસન્સની છે અને પાક રક્ષણની છે. વાડીમાં સાફ કરતો હતો અને ફાયરીંગ કરી છે.

             તેણે આવું ન કરવું જોઈએ. એ બહુ ખરાબ કહેવાય અને હું પણ વિરુધ્ધ છું. લાયસન્સનો હક વાડીમાં છે પ્રજા વચ્ચે કે કોઈ પ્રોગ્રામમાં નથી. એણે ખોટું કર્યું એમાં હું સંમત નથી. મીડિયામાં આવે અને છોકરાઓની નજીવી ભૂલના કામના કારણે અમારે ખરાબ લાગેને. બિલકુલ ખોટું છે. લાયસન્સની કાયદેસરની છે વાડીમાં છે પણ હાથમાં ન લેવી જોઈએ. તે હું સંમત નથી. હા મીડિયામાં દેખાય છે એમાં ખોટું ન બોલવું જોઈએ. પરંતુ હું આગળ પૂરેપૂરું ધ્યાન રાખીશ. પૂર્વ કચ્છના એસપી સૌરભ તોલંબિયાએ વાઈરલ વીડિયો મામલે જણાવ્યું હતું કે, વીડિયોની પોલીસને જાણકારી થઈ છે અને તેમજ નખત્રાણા નાયબ પોલીસ વડાને તપાસ સોંપી દેવાઇ છે. જયદીપસિંહ ફાયરીંગ કરેલા વીડિયો ક્યારે બનાવ્યા, કઈ જગ્યાએ બનાવ્યા તે સ્પષ્ટ થશે ત્યારે પોલીસ નિયમો અનુસાર કાર્યવાહી કરાશે.

(8:38 pm IST)