ગુજરાત
News of Wednesday, 22nd January 2020

અમદાવાદના માણેકચોકમાં રાતોરાત દાયકા જૂની પાણીની પરબ તોડી પાડતા વેપારીઓમાં નારાજગી

પરબમાં પાણી નહીં આવતું હોવાની રજૂઆત બાદ પાણીદાર તંત્રે અડધીરાત્રે પાંચ દાયકા જૂની પરબ તોડી પાડી

અમદાવાદ : અમદાવાદની શાન સમો માણેકચોકમાં રાત્રીનું ખાણી પીણીનું બજાર અને દિવસ દરમિયાન સોની બજારની રોનક કંઈક અલગ જ છે અહીં વર્ષોથી દુકાન ધરાવતાં વેપારીઓ  સોની બજાર અને જૂના શેરબજારમાં તેમનાં ઈતિહાસને ખોઈ બેઠાં હોવાનો અનુભવી રહ્યા છે. માણેકચોકમાં બરોબર વચ્ચે 50 વર્ષ જુની એક પાણીની પરબ કોઈ દાતા દ્રારા બાંધવામાં આવી હતી. જ્યાં 5થી 8 પાણીના નળ પણ નાંખવામાં આવ્યા હતા. ઉનાળાના સમયમાં વેપારીઓ માટે આ પાણીની પરબ તરસ છીપાવતી હતી પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી આ પાણીની પરબ બંધ હોવાને કારણે ચોક્સી મહાજન દ્રારા અમદાવાદ મ્યુ.કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી કે આ પાણીની પરબને ફરી શરુ કરવામાં આવે. જોકે પરબ શરુ કરવાને બદલે પાણીની પરબ તોડી પાડવામાં આવી હતી. જેથી વેપારીઓમાં કોર્પોરેશન માટે નારાજગી વ્યાપી છે.
  માણેકચોકના ચોક્સી મહાજનનાં પ્રમુખ ચીનુભાઈ ચોક્સી જણાવે છે કે રાતના સમયે અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્રારા પાણીની પરબ તોડી પાડવામાં આવી હતી. તેઓ જ્યારે સવારે આવ્યા ત્યારે અહીં કાટમાળ જોવા મળ્યો હતો. આ જોઈને તેમને ઘણો આઘાત લાગ્યો કારણ કે તેઓ 57 વર્ષથી અહીં દુકાન ધરાવે છે અને નાનપણમાં જ્યારે ઉનાળામાં પાણીની જરુર પડે ત્યારે તેઓ અહીં આ જ જગ્યા પર માટલું ભરીને રાખતાં હતા. એટલું જ નહીં માણેકચોક શોપિંગ માટે આવતાં મુલાકાતીઓ પણ અહીં મફતમાં પાણી પીતા હતા. છેલ્લાં ઘણા સમયથી પાણીની પરબમાં પાણી ન આવતાં ચોક્સી મહાજનનાં વેપારીઓ કોર્પોરેશનને જાણ કરી હતી તેમણે ત્યાં સુધી તૈયારીઓ બતાવી હતી કે જો જવેલર્સ દીઠ 25 હજાર આપવાના થાય તો તેઓ તૈયાર છે પરંતુ કોર્પોરેશનને આ વિશે કોઈ સાંભળ્યું નહીં અને રિપેરિંગને બદલે તેને પાડી દેવામાં આવી હતી.

(8:11 pm IST)