ગુજરાત
News of Wednesday, 22nd January 2020

સાવલીના સભ્ય કેતનઇનામદારના રાજીનામાથી ભારે ખળભળાટ

ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાની ઘટના : મત વિસ્તારની જનતાના હિતના કાર્યો તેમની સરકારના શાસનમાં જ થતા નહી હોવાના લીધે રાજીનામું ધરી દીધુ

અમદાવાદ, તા. ૨૨ : ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. આજે વડોદરાની સાવલી વિધાનસભા બેઠના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ જનતાના હિતના કાર્યો તેમની સરકારના શાસનમાં જ થતા નહી હોવાના કારણે આખરે કંટાળીને આજે પોતાનું રાજીનામું આપી દેતાં ભાજપ સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કારણ કે, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમવાર સત્તામાં ભાજપ હોય અને તેનાથી જ નારાજ તેના જ ધારાસભ્યએ રાજીનામુ આપી દીધુ હોય તેવી આ પ્રથમ ઘટના નોંધાઇ છે, જેને લઇ ભાજપની છાવણીમાં પણ ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ ધરી દેતાં વિપક્ષ કોંગ્રેસને ભાજપની નીતિ અને માનસિકતા પર પ્રહાર કરવાનો ફરી એકવાર મોકો મળી ગયો હતો. કોંગ્રેસના નેતાઓએ ઇનામદારના રાજીનામાને લઇ ભાજપ અને રૂપાણી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

             વડોદરાની સાવલી વિધાનસભા બેઠના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે તેમની ભાજપ સરકારના રાજમાં તેમના વિસ્તારના જ કામો નહી થતા હોવાના કારણે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ઠીકરા ફોડી રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સત્તા પર ભાજપ બિરાજમાન હોય અને તેમના ધારાસભ્યએ આ પ્રકારે રાજીનામું આપ્યું હોય. અગાઉ કુંવરજી બાવળીયા જેવા કોંગ્રેસી નેતાઓએ વિપક્ષમાં હોય એટલે કામો ન થતા હોય અને રાજીનામું આપી પક્ષપલ્ટો કરી ભાજપમાં આવ્યા. આજના આ સમાચારને સોશ્યલ મીડિયામાં કેતન ઇનામદારના પગલાને જનતાનો અવાજ હોવાનું ઠેરાવી રહ્યાં છે.

            ઇનામદારે રાજીનામા પત્રમાં તેમની સતત અવગણના થઇ રહી હોવાની અને તેમના વિસ્તારની પ્રજા અને પ્રજાહિતના કાર્યોની ગંભીર અવગણના થઇ રહી હોવાની ફરિયાદ પણ રજૂ કરી હતી. આ વર્ષે નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણી છે જ્યારે ટૂંક સમયમાં બજેટ રજુ થવાનું છે ત્યારે કેતન ઇનામદારના આ પગલાથી ભાજપને બહુ મોટો ફટકો પડયો છે. સીટીંગ ધારાસભ્યના રાજીનામાને લઇ ભાજપના શાસન અને ખુદ તેના ધારાસભ્યો પરત્વે જ સરકારના વલણને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. 

(8:36 pm IST)