ગુજરાત
News of Tuesday, 21st January 2020

અમદાવાદમાં BS4 ના હોય તેવા વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરો: પ્રદુષણ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી

સ્વચ્છ પર્યાવરણ એ લોકોનો મૂળભૂત બંધારણીય અધિકાર

 

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે વાયુ પ્રદુષણ મુદ્દે મહત્વનો ચુકાદો આપ્યો છે. અમદાવાદ પણ હવે દિલ્હીની જેમ પ્રદુષણમય ન બને તે માટે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને વાહનવ્યવહાર કચેરીને જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.

ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, BS 4 સ્પેસિફિકેશન ના ધરાવતા હોય તેવા વાહનોનું આરટીઓ રજીસ્ટ્રેશન ન કરે તથા અન્ય રાજ્ય કે શહેરમાંથી આવતા વાહનના રી-રજીસ્ટ્રેશન માટે પણ BS-4 સ્પેસિફિકેશનનું વાહન હોવું જરૂરી બનશે. અને રાજ્યમાં BS 2 અને BS 3 સ્પેસિફિકેશન વાળા વાહનોનું રી રજીસ્ટ્રેશન પણ નહીં થઈ શકે.

 રાજ્યમાં વધી રહેલા વાયુ પ્રદુષણને લઈને હાઈકોર્ટે આ મહત્વનો આદેશ કરતા કહ્યુ હતુ કે, સ્વચ્છ પર્યાવરણ એ લોકોનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને ડામવા માટે અંકુશ જરૂરી છે. સાથે સાથે કુદરતી સંસાધનોના થતા દુરુપયોગ અને તેનાથી થતા પર્યાવરણને નુકસાન અને તેને કારણે ફેલાતા પ્રદુષણ અંગે પણ પોતાના ચુકાદામાં ટિપ્પણી કરી છે.

હાઈકોર્ટ પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, કુદરતી સંસાધનોનો એવો ઉપયોગ ના થવો જોઈએ કે જેથી બગડેલી પરિસ્થિતિને સુધારી ન શકાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થાય.

(1:01 am IST)