ગુજરાત
News of Tuesday, 22nd January 2019

અમદાવાદમાં ૩ વર્ષમાં એક હજાર ઇલેક્ટ્રીક બસ દોડશે

અમદાવાદ ઇલેક્ટ્રિક મોબીલીટીમાં મોડેલ બનશે : ૨૦૨૦ સુધીમાં મેટ્રો અને ઇલેક્ટ્રિક બસો મારફતે ૨૦ લાખ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સાંકળી લેવા તૈયારી

અમદાવાદ,તા. ૨૨ : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે રજૂ કરેલા વર્ષ ૨૦૧૯-૨૦ના ડ્રાફ્ટ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરના માર્ગો પર એક હજાર જેટલી ઇલેકટ્રીક બસો દોડાવવાની બહુ મહત્વની વાત કરી હતી. અમદાવાદ શહેરને ઇલેક્ટ્રીક મોબીલીટીમાં સમગ્ર દેશમાં મોડેલ સ્વરૂપ બનાવવાનો મક્કમ નિર્ધાર નહેરાએ વ્યકત કર્યો હતો. જેમાં ૫૦ જેટલી ઇલેકટ્રીક બસો તો આ એપ્રિલ મહિના સુધીમાં શહેરના માર્ગોે પર દોડતી થઇ જશે. ઇલેકટ્રીક મોબીલીટી અને મેટ્રોની સેવા શરૂ થયા બાદ ૨૦૨૦ સુધીમાં એએમટીએસ, બીઆરટીએસ અને ઇલેક્ટ્રીક બસોની ટ્રાન્સપોર્ટેશન સેવા હેઠળ ૨૦ લાખ લોકોને આવરી લેવાનો અંદાજ છે, જેના કારણે એક તો શહેરમાં સૌથી જટિલ બનેલી ટ્રાફિકની સમસ્યા હલ થશે, સાથે સાથે પર્યાવરણ અને વાતાવરણ(હવાની ગુણવત્તા)ની શુધ્ધતા જળવાશે એમ નહેરાએ ઉમેર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેરમાં એએમટીએસની ૭૦૦ બસ અને અમદાવાદ જનમાર્ગની બીઆરટીએસની ૨૫૪ બસો મળી કુલ ૯૫૪ જેટલી બસો દ્વારા અંદાજે આઠ લાખ શહેરીજનો દૈનિક પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપયોગ કરી રહી છે પરંતુ તે હજુ વધારી દસ લાખ કરવાનો નિર્ધાર છે. સાથે સાથે મેટ્રોની સેવા શરૂ થયા બાદ બીજા દસ લાખ મળી કુલ ૨૦ લાખ લોકોને પબ્લીક ટ્રાન્સપોર્ટેશન હેઠળ આવરી લેવાય તો શહેરની ટ્રાફિકની સમસ્યા ઘણા અંશે હલ થઇ શકશે, પાર્કિંગની સમસ્યાનું પણ નિવારણ આવશે અને સાથે સાથે હવાની ગુણવત્તા, પર્યાવરણ અને વાતાવરણની શુધ્ધતા વધશે. ઇલેક્ટ્રીક મોબીલીટીના આ નવા કન્સેપ્ટ હેઠળ શહેરમાં ચાલુ વર્ષના એપ્રિલ મહિનાથી જ ૫૦ જેટલી ઇલેક્ટ્રીક બસો અને ૫૦ સીએનજી બસો શહેરના માર્ગો પર દોડતી થઇ જશે. એ પછી ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં વધુ ૩૦૦ ઇલેક્ટ્રીક બસો શહેરમાં દોડાવાશે. ત્યારબાદ આવનારા બે વર્ષોમાં વધારાની ૬૫૦ જેટલી ઇલેક્ટ્રીક બસો ખરીદી તે પણ શહેરના માર્ગો પર ફરતી કરાશે. આમ, ઇલેક્ટ્રીક મોબીલીટીમાં અમદાવાદ શહેરને સમગ્ર દેશમાં મોડેલરૂપ બનાવાશે.  મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફુલગુલાબી બજેટના સંદર્ભમાં તમામ પ્રકારની માહિતી આપી હતી. અમદાવાદ શહેરને મોડેલ શહેર બનાવવાના ઇરાદાથી કેટલીક નવી પહેલ કરવામાં આવી હતી. આ નવી પહેલ અસરકારક બને તેવી વકી છે.

(8:31 pm IST)