ગુજરાત
News of Tuesday, 22nd January 2019

વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં પોષી પૂનમના દિવસે દર્શનાર્થી મહિલાના 1.27 લાખ ભરેલ પર્સની ઉઠાંતરી

વડતાલ: શહેરના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ હતી. આ ભીડનો લાભ લઈ કોઈ ગઠીયો મહિલાના થેલામાં મૂકેલ ૧.૨૭ લાખની મત્તાનું પાકીટ ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અમદાવાદ નરોડામાં રહેતા રાજેશ્વરીબેન ઉમેદભાઈ રાઘવાણી (ઠક્કર) આજે પોષી પૂનમ હોઈ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા આવ્યા હતા. આ દરમિયાન મંદિરના પરિસરમાં યાત્રિકોની ભીડનો લાભ ઉઠાવી કોઈ ગઠીયો રાજેશ્વરીબેનના ખભે ભરાવેલા થેલામાં મૂકેલુ કાળુ પાકીટ ચોરી ગયો હતા. આ પાકીટમાં બે તોલા સોનાનું મંગળ સૂત્ર રૂપિયા ૩૦,૦૦૦, સોનાની છ બંગડીઓ, રૂપિયા ૯૦૦૦૦ ચાંદીનો ચીપીયો (હેરપીન) તેમજ રોકડા રૂ.૭૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૨૭,૦૦૦ની મતા ચોરી ગયા હતા. 

આ બનાવ અંગે રાજેશ્વરીબેન ઉમેદભાઈ વાઘવાણીની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)