ગુજરાત
News of Tuesday, 22nd January 2019

ગેરકાયદે 81 દવાના વેચાણ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ

અમદાવાદ:તાવ, પેટનો દુખાવો, બ્લડ પ્રેશર, એન્ટિફંગસ અને અનિદ્રા સહિતની જુદી જુદી બીમારીઓ માટે વપરાતી અને ઇરેશનલ કોમ્બિનેશનની કેટેગરીમાં આવતી અંદાજે ૮૧ દવાઓના વેચાણ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી લાઈસન્સ લીધા વિના જ આ દવાઓ તૈયાર કરીને છેલ્લા પંદર વર્ષથી વેચવામાં આવતી હતી. તેમણે રાજ્ય સરકારના ડ્રગ ડિપાર્ટમેન્ટમાં અરજી કરીને દવાઓ બનાવવાની મંજૂરી મેળવી લીધી હતી. આ દવાઓ પર પ્રતિબંધ મૂકતું ગેઝેટ ૧૧મી જાન્યુઆરી ૨૦૧૯ના બહાર પાડી દેવામાં આવ્યું છે.

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના જાણકાર સૂત્રોનું કહેવું છે કે આ દવાઓ ઇરેશનલ કોમ્બિનેશનની કેટેગરીમાં આવતી હતી. બીમારીની સારવાર માટે જોઈતા મુખ્ય ઘટક સાથે અનુચિત ઘટકનું મિશ્રણ કરવામાં આવ્યું હોય તેવી દવાઓના કોમ્બિનેશનને ઇરેશનલ કોમ્બિનેશન વાળી દવા તરીકે ઓળખાવવામાં આવે છે. બીજી બીમારીઓની સારવાર માટે વપરાતા ઘટકો આ દવાઓમાં ભેળવી દેવામાં આવ્યા હોવાથી તેમને ઇરેશનલ કોમ્બિનેસન ગણવામાં આવે છે. અગાઉ આ પ્રકારની ૨૯૪ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

(5:40 pm IST)