ગુજરાત
News of Tuesday, 22nd January 2019

કપડવંજ રૂરલ પોલીસે રેલીયા ચેક પોસ્ટ નજીકથી ચોરખાનામાં લઇ જવાતો 4 લાખનો દારૂનો જથ્થો દબોચ્યો

કપડવંજ: રૂરલ પોલીસે ગઈકાલે રેલીયા ચેક પોસ્ટ પરથી પસાર થતી ટ્રક પાછળના ચોરખાનામાં છુપાવી લઈ જવાતો ૪.૦૩ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ રૂા. ૧૪,૦૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

કપડવંજ રૂરલ પોલીસ ગઈકાલે મોડાસા-કપડવંજ રોડ રેલીયા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી. આ દરમ્યાન બાયડ તરફથી આવેલ ટ્રક નં. જીજે ૧૮ ટી ૦૪૯૪ ને રોડની સાઈડમાં ઊભી રખાવી ટ્રક ચાલક તેમજ બીજા ઈસમને નીચે ઉતારી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરતા ટ્રક પાછળ બોડીમાં બનાવેલ ચોર ખાનામાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી ટ્રકના ચોર ખાનાની તલાશી લેતા વિદેેશી દારૂની ૯૬ પેટી કે જેની કિંમત ૪,૦૩,૨૦૦ થવા જાય છે તે મળી આવ્યો હતો. આ ઉપરાંત બંને શખ્સોની અંગ જડતીમાં મોબાઈલ નં. ૨ રૂા. ૨૫૦૦ તથા ટ્રક રૂા. દસ લાખની મળી કુલ રૂા. ૧૪,૦૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર દિલીપસિંહ જોરાવરસિંહ સોલંકી (રે. ખોડાબાંસી, તા. મોટી સાદડી, જિ. ચિતોડગઢ, રાજસ્થાન) તથા આકાશ ગુલાબજી ગોસ્વામી (રે. કુમારપાડા, સીંધી કોલોની, જિ. નાથદ્વારા, રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

(5:46 pm IST)