ગુજરાત
News of Tuesday, 22nd January 2019

હિતુ કનોડિયાનું બે મતદાર યાદીમાં નામ હોવા ખુલાસો

અમદાવાદ-મહારાષ્ટ્ર મતદાર યાદીમાં હિતુ સામેલઃ બંને જગ્યા પર મતદાર યાદીમાં નામ ચાલતુ હોવાને લઇને વિવાદ સર્જાયો : ચૂંટણી અધિકારીએ હાથ ધરેલી તપાસ

અમદાવાદ, તા.૨૧:  ઈડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયાનું મહારાષ્ટ્ર અને અમદાવાદના અસારવાની એમ બે જગ્યાએ અલગ-્અલગ મતદાર યાદીમાં નામ હોવાનો ખુલાસો સામે આવતાં નવો વિવાદ સર્જાયો છે. બંને જગ્યાએ મતદારયાદીમાં નામ ચાલતુ હોવાના કારણે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી વખતે હિતુ કનોડિયા દ્વારા સોગંદનામામાં ખોટી હકીકતો રજૂ કરી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરાયાનો ગંભીર આક્ષેપ કરાયો છે, જેને લઇ હવે સમગ્ર રાજકારણ ગરમાયું છે.           ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાનું બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનું સામે આવતાં હિતુ કનોડિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા.   ઈડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયાનું મહારાષ્ટ્ર અને અમદાવાદના અસારવાની એમ બે જગ્યાએ અલગ-અલગ મતદાર યાદીમાં નામ હોવાનો ખુલાસો સામે આવતાં નવો વિવાદ જાગ્યો છે. હિતુ પર ઇડર વિધાનસભાની ચૂંટણી વખતે ખોટુ સોગંદનામું કર્યું હોવાનો આરોપ હવે વિપક્ષ દ્વારા લગાવાઇ રહ્યો છે. જો કે, હિતુ કનોડિયાએ  હજુ સુધી આ સમગ્ર મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી, તેઓ બાદમાં આ અંગે કોઇ પ્રતિક્રિયા આપે તેવું મનાઇ રહ્યું છે. હાલ તો સમગ્ર મામલો ધ્યાનમાં આવતાં ગુજરાત રાજયના ચૂંટણી અધિકારીએ સ્થાનિક કક્ષાએ તપાસ હાથ ધરી છે. જો હિતુ કનોડિયાએ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા આપ્યું હશે અને ના થયું હોય તો કોઇ ગુનો નોંધાશે નહીં અને જો ઈરાદાપૂર્વક નામ ચાલતુ હશે તો કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શકયતા છે. વળી, મહારાષ્ટ્રની મતદારયાદીમાં હિતુ કનોડિયાનું નામ ભળતા નામથી કે શરતચૂકથી આવી ગયું છે તે દિશામાં પણ ચૂંટણી અધિકારી તપાસ ચલાવી રહ્યા છે. કારણ કે, મહારાષ્ટ્રની મતદાર યાદીમાં હિતુ કનોડિયાનું નામ આવ્યું કેવી રીતે તે છબરડાને લઇ મહારાષ્ટ્રના સ્થાનિક સત્તાવાળાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

(9:53 pm IST)