ગુજરાત
News of Tuesday, 22nd January 2019

પોષી પૂનમ નિમિતે અંબાજી માતાજીની હાથી ઉપર નગરચર્યાઃ પ૬ પ્રકારના શાકભાજીનો ભોગ અર્પણ

અંબાજી: આજે પોષ સુદ પૂનમ એટલે માતાજીનો પ્રગટ્ય દિવસ.  આ દિવસનું યાત્રાધામ અંબાજીમાં વિશેષ મહત્વ હોય છે.  જેના ભાગ રૂપે અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ ધાર્મિક સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.  આજે મંદિર ખાતેથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પ્રથમ આરતી ઉતારી હાથી ઉપર બેસાડી માતાજીને નગરચર્યા કરાવવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં  એક હાથી ,4 ઊંટ  અને 6 ઘોડા સાથે ફૂલ વર્ષાની તોપ ,રાજસ્થાની નૃત્ય ,આદિવાસી નૃત્ય ,અખાડા ની કરતબો ,51 શક્તિપીઠ નો ટ્રિપ્લોક ,વ્યશન મુક્તિ રથ , સપ્તશીવનો  ટેબ્લો, માતાજીનો રથ, આનંદ ગરબા પરિવાર, લાઈવ ડીજે, નાસિક ઢોલ મળીને કુલ 30 જેટલી ઝાંખીઓ આ શોભાયાત્રા માં જોડાઈ હતી. આ સાથે અંબાજી મંદિરમાં બપોરે અન્નકૂટનો 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ રથયાત્રાને જોવા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.  આ શોભાયાત્રા અંબાજીમાં છેલ્લા 26 વર્ષથી નીકળે છે.

અંબાજીના બજારોમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ સાથે અંબાજીમાં હવન આહુતિ સ્ટોલ ઉભો કરાયો છે, જેમાં માઈ ભક્તો પોતાના હાથે આહુતિ આપી માં અંબાને પોતાની ભક્તિનો પરિચય આપી રહ્યા છે. અંબાજીમાં આ શોભાયાત્રા આખા અંબાજીધામમાં ફરી સાંજે નિજ મંદિર પર પરત ફરશે. અંબાજીની શોભાયાત્રામાં ચારેબાજુ એ સેવા કેમ્પો પણ જોવા મળી રહ્યા છે. અંબાજી મંદિરથી આ શોભાયાત્રા ગબ્બરથી અખંડ જ્યોત લાવી અંબાજીના નગરમાં નીકળી હતી. આજે રાતે અંબાજી મંદિરના ચાચરચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ શોભાયાત્રા માં 2000 કિલો સુખડીનો પ્રસાદ માઈ ભક્તો ને આપવામાં આવી રહ્યો છે.

શાકોત્સરી પૂનમ પણ કહેવાય, 56 જાતના શાકભાજીનો ભોગ ધરાવાયો

આજે પોષ સુદ પૂનમ એટલે કે જગત જનની માં અંબે નો પ્રાગટય દિવસ આજના દિવસનું યાત્રાધામ અંબાજી ખાતે વિશેષ મહત્વ છે આજના દિવસને શાકોત્સરી પૂનમ પણ કહેવાય છે આજના દિવસે માતાજી પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે આજના દિવસ નિમિત્તે અંબાજી ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ખુબજ મોટી સંખ્યમાં માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે આજે 56 જાત ના વિવિધ શાકભાજી નો ભોગ માતાજી ને ધરાવવામાં આવ્યો હતો

(5:12 pm IST)