ગુજરાત
News of Monday, 22nd January 2018

આણંદ રેલવે સ્ટેશનમાંથી શિક્ષિકાના 14 વર્ષીય પુત્રના અપહરણથી ચકચાર

આણંદ:શહેરમાં રહેતી એક શિિક્ષકાના ૧૪ વર્ષીય પુત્ર આણંદથી ટંકારીયા જવા નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ જતાં રેલવે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશ્માબેન રીઝવાનભાઈ નગરીને ત્રણ સંતાનો છે. તેઓને ૧૪ વર્ષ પહેલા પતિ રીઝવાન સાથે અણબનાવ બનતા છુટા પડી ગયા હતા. અશ્માબેન આણંદમાં રહીને ચરોતર મિલ્લત સ્કૂલમાં શિિક્ષકા તરીકે નોકરી કરીને જીવન ગુજરાન ચલાવે છે તેમનો પુત્ર શાહીદ (ઉ. વ. ૧૪)ભરૂચ નજીક આવેલા ટંકારીયા ખાતેના દારૂલ કુરાન મદ્રેસામાં અભ્યાસ કરે છે.
ગત ૧૪મી તારીખના રોજ ઉત્તરાયણનો તહેવાર હોય તે મિત્રો સાથે આણંદ આવ્યો હતો અને ૧૫મી તારીખે પરત જવા નીકળ્યો હતો. તેની બહેન તેને સાંજના સુમારે આણંદના રેલવે સ્ટેશને મૂકીને ગઈ હતી. ત્યારબાદ રાત્રીના સુમારે મદ્રેસામાં તપાસ કરતાં શાહીદ પહોંચ્યો નહોતો. જેથી સવાર સુધી રાહ જોઈ હતી અને ભરૂચ રેલવે સ્ટેશને પણ તપાસ કરાવી હતી પરંતુ તે મળી આવ્યો નહોતો. જેથી અશ્માબેન આણંદના રેલવે પોલીસ મથકે આવ્યા હતા અને સીસીટીવી ફુટેજ ચેક કરતાં શાહીદ ૭.૩૦ની ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં બેસતો જણાય છે જેથી ટ્રેનમાં બેઠા બાદ તે ગુમ થયો છે જેના આધારે રેલવે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે.

(5:51 pm IST)