ગુજરાત
News of Monday, 21st December 2020

શિયાળો જામતાં માલની આવક વધતાં શાકભાજીનાં ભાવ ઘટ્યાં

કોરોનાના મારમાં ગૃહણીઓ માટે રાહતના સમાચાર : શિયાળુ વાવેતરમાં વધારો અને સ્થાનિક શાકભાજીની આવક વધવા સાથે શાકભાજીના ભાવ ખૂબ જ ઘટી ગયા

આણંદ, તા. ૨૧ : શિયાળાની આહલાદક મોસમ જ્યારે હાલમાં ખીલી ઉઠી છે ત્યારે આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ પણ ઠંડીની માફક નીચે ઉતરી જતાં ગૃહિણીઓ તથા શાકાહારીઓમાં આનંદની લહેર છવાઇ જવા પામી છે.  આણંદ જિલ્લામાં આમ તો શાકભાજીનું ઉત્પાદન થાય છે. પરંતુ મહત્તમ શાકભાજી સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રથી આવે છે. ઉત્તર ગુજરાતમાંથી જેમ બટાટા તથા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી, લસણ અને મરચાં જ્યારે મહારાષ્ટ્રમાંથી ડુંગળી સહિતનો જથ્થો આવતો હોય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી પણ મોટા પાયે શાકભાજી વેચાણ માટે આવતું હોય છે. શિયાળાના પ્રારંભે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધું હોઇ કોરોના મહામારીને કારણે હેરફેરમાં ઘટાડો થયો હતો. જેથી શાકભાજીના ભાવોમાં વધારો થયો હતો. ડુંગળી તથા બટાટાના ભાવ અચાનક વધી ગયા હતા.

ગૃહિણીઓને બે સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં ઓછીઆવક વચ્ચે શાકભાજી મોંઘુ બનતાં આર્થિક મુશ્કેલી અનુભવતાં કઠોળનો ઉપયોગ વધાર્યો હતો. બીજીતરફ ખેતી કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણાના ખેડૂતોએ આંદોલન શરૂ કરતાં ટ્રાન્સપોર્ટેશન પર અસર પડી હતી. જોકે શિયાળુ વાવેતરમાં વધારો થયો હતો. અને સ્થાનિક શાકભાજીની આવક વધી હતી. જેમાં લીલી ડુંગળી, આદુ, ધાણા-મરચાં, મેથી, સવા, પાલક સહિતની વિવિધભાજીઓ સાથે ફ્લાવર, કોબીજ, વટાણા, ટામેટાં, તુવેર, લીલા ચણા, રીંગણ, સરગવો, ભીંડા, રતાળુ, સૂરણ, બીટ, લીલી હળદર, લીલું લસણ વગેરે અનેક વિધ પ્રકારના શાકભાજીની આવક વધતાં ભાવોમાં ઘટાડો થવા પામ્યો છે. જે શાકભાજી ૪૦થી ૫૦ રૂપિયે ૫૦૦ ગ્રામ વેચાતું હતું તે સીધુ જ ૨૦ રૂપિયે કિલો થઇ જવા પામ્યું છે. જેના કારણે શાકાહારીઓમાં તથા ગૃહિણીઓ ખુશખુશાલ થઇ જવા પામી છે. શિયાળો આમેય શક્તિવર્ધક મોસમ ગણાયછે જેમાં શાકભાજીના વિવિધ ઉપયોગ પણ કરવામાં આવેછે.

શિયાળામાં વિવિધ પ્રકારના મિક્સ શાકભાજીથી બનતું ઊંધિયુ પણ હવે બજારમાં આવી ગયું છે અને ઉત્તરાયણ પૂર્વેથી જ ઊંધિયાની વાનગીઓ તૈયાર થતાં શાકભાજીના શોખીનો માટે સુખના દિવસો શરૂ થઇ ગયા છે. સ્થાનિક બજારોમાં પણ શાકભાજીની આવક વધવા સાથે ભાવોમાં ઘટાડો થતાં મોંઘવારીમાં રાહત મળી છે. હવે માર્ચ મહિના સુધી શાકભાજીની આ પ્રકારની આવક ચાલુ રહેશે.

(8:35 pm IST)