ગુજરાત
News of Monday, 21st December 2020

અમદાવાદના ચાણક્‍યપુરી વિસ્‍તારમાં ક્રિકેટ સટ્ટાના રૂા.15 લાખની વસુલી માટે મિત્રો સાથે બેઠેલા યુવકને જાહેરમાં માર માર્યો

અમદાવાદ: સોલાના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રિકેટ સટ્ટાની રૂ.15 લાખની વસૂલી માટે મિત્રો સાથે બેઠેલા યુવકને રવિવારે બપોરે ગુંડાઓએ જાહેરમાં મારમાર્યો હતો. સોલા પોલીસે બ્લેક કંપાસ કારમાં આવેલા 3 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ન્યુ રાણીપના આનંદ પાર્ટી પ્લોટ પાસે સાતત્ય એવન્યુમાં રહેતો પ્રશાંત દિલીપ ઉપાધ્યાય (ઉં,33) શાહીબાગ ખાતે સહજાનંદ એવન્યુમાં પંકજભાઈની તુલસી એન્ટરપ્રાઈઝ ઓફિસમા નોકરી કરે છે. પ્રશાંતે રાજુ મેલાભાઈ દેસાઈ (રહે, સે-3,રામાપીરના મંદિર સામે,ચાણક્યપુરી) સહિત 3 જણા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેસાણા ખાતે ચાલતા ક્રિકેટ સટ્ટાનો જુગાર પ્રશાંત રમતો હતો. ઓનલાઈન સટ્ટામાં પ્રશાંત બુકી પાસે રૂ. 15 લાખની રકમ હારી ગયો હતો. આ રકમની વસૂલાત ચાણક્યપુરીમાં રહેતો રાજુ મેલા દેસાઈ કરતો હતો.

પ્રશાંતએ ટૂકડે-ટૂકડે કરી મોટાભાગની રકમ ચૂકવી દીધી હતી. રૂ.50 હજારની રકમ ચૂકવવાની બાકી હતી. પ્રશાંત આ રકમ દાદીનું મરણ થઈ જતા ચૂકવી શક્યો ન હતો. રવિવારે બપોરે પ્રશાંત તેના મિત્રો સાથે મિતાંશુ ડેરી ચાણક્યપુરી ખાતે બેઠો હતો. તે સમયે રાજુ દેસાઈનો ફોન આવ્યો હતો.

રાજુ એ હાલ તું ક્યાં છે; અને પૈસા ક્યારે આપવાના છે? તેવો સવાલ કરતા પ્રશાંતે હાલ મારી પાસે પૈસા નથી,સગવડ થશે ત્યારે આપી દઈશ તેવો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પ્રશાંત બેઠો હતો તે જગ્યાએ રાજુ અને તેના સાગરીતો બ્લેક કંપાસ કારમાં પહોંચ્યા હતા. આરોપીઓએ પ્રશાંતને અપશબ્દો બોલી જાહેરમાં મારમાર્યો હતો. પ્રશાંતને અન્ય મિત્રોએ વચ્ચે પડીને છોડાવ્યો હતો.

રાજુએ ધમકી આપી કે, તું રૂપિયા નહી ચૂકવે તો તને જાનથી મારી નાંખીશું. બાદમાં આરોપીઓ સ્થળ પરથી જતા રહ્યા હતા. આ બનાવને પગલે પ્રશાંતે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

(5:25 pm IST)