ગુજરાત
News of Monday, 21st December 2020

રાજપીપળાના ગરૂડેશ્વર તાલુકાના સાંઠીયા ગામમાં ગ્રાહકને બેન્‍ક અધિકારીની ઓળખ આપીને રૂ.4 લાખ ખાતામાંથી ઉપાડી લીધા

રાજપીપળા: સાયબર ક્રાઈમના ઘણા કિસ્સાઓ હાલ પ્રકાશમાં આવી રહ્યા છે. જે-તે જિલ્લાની પોલીસ પણ પ્રજા ખુદ સાયબર ક્રાઈમ મામલે જાગૃત થાય એવા કાર્યક્રમો કરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

સાયબર ક્રાઈમ સામે પ્રજામાં જાગૃતિ આવે એ માટે નર્મદા પોલીસે “સાયબર યોદ્ધા” નામનો એક પ્રોજેકટ પણ લોન્ચ કર્યો છે. જિલ્લાની પોલીસ પ્રજા વચ્ચે જઈ જાગૃતિ ફેલાવી રહી છે એ તમામની વચ્ચે નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ક્રાઈમનો ભોગ એક યુવાન બન્યો છે.

આ કિસ્સો છે ગરુડેશ્વર તાલુકાના સાંઢીયા ગામનો. ગરૂડેશ્વર નજીક આવેલ સાંઢીયા ગામમાં ગૌશાળાના સંચાલક રવિન્દ્ર પંચાલના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો, સામે છેડેથી કહ્યુ હું બેંક ઓફ બરોડામાંથી શર્મા બોલું છું. તમારું બેંક એકાઉન્ટ સિઝ થઈ ગયું છે, તમારો આધાર કાર્ડ નંબર આપો અને ATM પાસવર્ડ આપો.

આથી ફોન બેંકમાંથી જ આવ્યો હોવાનું માની લઈ રવિન્દ્રભાઈએ આધાર કાર્ડ નંબર અને ATM પાસવર્ડ આપ્યો. જે બાદ તેમના મોબાઈલ પર OTP આવ્યો અને મેંસેજ આવ્યો કે OTP મોકલી આપો. જેથી રવિન્દ્રભાઈ સામેના મોબાઈલ પર OTP પણ મોકલી આપ્યો.

જે બાદ મિનિટમાંજ એમના બેંક એકાઉન્ટમાંથી 4 લાખ રૂપિયા જેટલી રકમ ઉપડી ગઈ, આ રકમ ખાતામાંથી ઉપડી ગઈ એવો મેસેજ એમના મોબાઈલ પર આવ્યો અને તેઓ પોતે છેતરાયા હોવાનો એમને ભાસ થયો.

આ મામલે રવિન્દ્રભાઈએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ગરુડેશ્વર પોલીસે સાઈબર ક્રાઇમમાં આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે, અમારી પોલીસ સાયબર ક્રાઈમ મામલે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે. કોઈ પણ વ્યક્તિ પર બેંકમાંથી બોલું છું એવો ફોન આવે તો પ્રથમ તો એ બેંકમાં રૂબરૂ જઈ તપાસ કરવી જોઈએ. કોઈ પણ બેંકની શાખા ફોન દ્વારા ખાતું સિઝ થયું હોવાની જાણ નથી કરતી પણ લેખિત જાણ કરે છે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.

પોલીસ પણ આવા બનાવો બનતા રોકવા તમામ પ્રયત્નો કરે જ છે, પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે.નપ્રજા જાગૃત થશે તો સાયબર ક્રાઈમ ઘટશે જ.નઆવા કોઈ પણ ફોન કોલ આવે તો એને ગણકાર્યા વિના પોલીસને તુરંત જાણ કરવી જોઈએ.

(5:23 pm IST)