ગુજરાત
News of Monday, 21st December 2020

સુરત : સન્માન માટે કિન્નરે ઘર છોડ્યું : હવે આત્મનિર્ભર બનવા નમકીનની દુકાન ખોલી

તાના આત્મ સન્માન યથાવત રાખવા ચિતેયુ ઘર છોડી નીકળી ગયો અને રાજવીજાન નામ તે તેમના સમાજે આપ્યું

સુરત : સુરતની એક કિન્નરે કંઈક અલગ જ ચીલો ચિતરવાનો પ્રયાસ કર્યો છે, પોતાના પગ પર આત્મનિર્ભર બની પોતાના જીવનું નિર્વાહ હાલ આ કિન્નર કરી રહ્યા છે, જેના માટે ઘણું અપમાન પણ તેમને સહવું પડ્યું છે, જોકે લોકડાઉનમાં હાલત કફોડી થયા બાદ પણ હાલ તેમને નવો બિઝનેશ શરૂ કરી પોતાની પોતાના પગ પર ઉભા થવાનો પ્રયાસ કર્યો છે

સુરતના હનિપાર્ક રોડ પર જ્યોતિ નમકીન નામની દુકાન ચલાવતી રાજવીજાનનો જન્મ 1986માં થયો હતો, તેના જન્મ સમયે જ માતા-પિતાને ખબર પડી ગઈ હતી કે સામાન્ય બાળકથી તેમનું બાળક છે, જોકે સમાજમાં શું કહેશે તે બિકે તેમને આ વાત બધાથી છુપાવી હતી, તેને પુરુષ નામ ચિતેયુ ઠાકોર આપવામાં આવ્યું. ચિતેયુએ સ્કૂલનો અભ્યાસ શરૂ કર્યો, કોલેજ પણ કરી. અંગ્રેજી માધ્યમમાં બીએ વિથ ઇકોનોમિક્સ કર્યો.

આ દરમિયાન પોતાના શરીરની અંદર થઈ રહેલા બદલાવોનો અહેસાસ તેને સતત થઈ રહ્યો હતો. પુરુષોના કપડાઓ પહેવા માટે તેના પિતાનો સતત આગ્રહ હતો. જોકે માતા તરફથી સતત હૂંફ અને સહયોગ મળતો રહ્યો હતો.

સ્પોકન ઈંગ્લીશનું ટ્યુશન કલાસીસ તેને પણ શરૂ કર્યું. બાદમાં પેટ શોપ પણ શરૂ કરી, જોકે પોતાના બદલાવને કારણે બે વર્ષ અગાઉ પોતાના પિતાને કહ્યું કે મારે ટ્રાંસજેન્ડ તરીકે રહેવું છે, તો પિતાએ ઘસીને ના પાડી દીધી હતી, અને જો એવું કરવું હોય તો ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. પોતાના આત્મ સન્માન યથાવત રાખવા ચિતેયુ ઘર છોડી નીકળી ગયો અને રાજવીજાન નામ તે તેમના સમાજે આપ્યું હતું તે રાખીને જીવન જીવવાનું શરૂ કર્યું હતું

રાજવીજાને આ સમયની વાત કરતાં જણાવ્યું હતું કે એક તરફ તો કિન્નરના આશીર્વાદ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે. પોતાના સારા પ્રસંગોમાં આશીર્વાદ આપવા માટે અમને બોલાવવામાં આવે છે, પરંતુ મને ત્યારે દુઃખ થયું જ્યારે હું ભાડાનું મકાન લેવા માટે ફરી રહી હતી. એક બે કિસ્સામાં તો એવું પણ બન્યું કે ભાડાનું મકાન લેવાનું નક્કી થયું ટોકન પણ અપાઈ ગયું, પછી બહાનું કાઢી ના પાડી દેવામાં આવી

એક કિસ્સામાં ઘરમાં રહેવાનું શરૂ કર્યું પછી થોડા દિવસમાં આસપાસના લોકોએ વિરોધ શરૂ કર્યો હતો, જેથી મારે ઘર છોડી દેવું પડયું હતું, આ ઘટના બાદ મેં એક ટીકટોક વિડીયો બનાવ્યો હતો, મને એક સારા વ્યક્તિ એ પોતાનું ઘર ભાડે આપ્યું હતું

આ દરમિયાન લોકડાઉન આવ્યું હતું. જેને કારણે તેમની પેટ શોપ બંધ થઈ ગઈ હતી. લોકડાઉનના સમય પણ ખૂબ મુસીબત પડી હતી, જોકે ત્યારબાદ તેમના માનેલા ભાઈ જીગ્નેશ રાનિંગે નમકીનની દુકાન ખોલવાનો વિચાર આપ્યો હતો, અને તેમની જ મદદથી રાજવીજાને આ દુકાન શરૂ કરી છે. રાજવીજાનનું કહેવું છે કે લોકડાઉનમાં ચાર મહિના ઘરે જ હતી, કોઈ કામ ન હતું, ત્યારે વિચાર આવ્યો કે જો માણસને જ ખાવનું ન મળતું હોય તો પ્રાણીઓને શું ખવડાવશે. જેથી લોકો ખાઈ શકે તેવી શોપ શરૂ કરી.

મારો આશય એટલો જ છે કે કિન્નરોને જે નજરે જોવામાં આવે છે, તે રીતે ન જોવામાં આવે. અમને પણ ભારતના બંધારણ મુજબ જીવવાનો અધિકાર છે, અમે પણ આત્મનિર્ભર રીતે જીવવા માંગીએ છીએ બસ લોકોનો સાથ સહકાર જોઈએ છે.

(8:34 am IST)