ગુજરાત
News of Saturday, 21st November 2020

ઘરમાં પ્રવેશીને પરીણિતાની છેડતી, મારી નાખવા ધમકી

સુરત જિલ્લાના ઓલપાડના કીમ વિસ્તારની ઘટના : ૧૨ વર્ષની પુત્રી સાથે રહેતી પરીણિતાનો આરોપી અવાર નવાર પીછો કરી રંજાળતો હતો, પોલીસે તપાસ હાથ ધરી

બારડોલી, તા. ૨૧ : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરમાં પ્રવેશ કરી એક યુવાને શારીરિક અડપલાં કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. પરિણીતા જ્યારે પણ બજારમાં શોપિંગ કરવા નીકળે ત્યારે યુવાન તેનો પીછો કરતો હતો અને મહિલાના ફોટા પાડી તેની બહેન અને પિતાના ફેસબુક ઉપર મૂકતો હતો જેથી પરિણીતાએ ફોટા મૂકવાની ના પાડતા યુવાને પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ કીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતા તેની ૧૨ વર્ષીય પુત્રી સાથે રહે છે. ગત તા-૧૬ ઓકટોબર ના રોજ તે ઘરેથી નીકળી શાકભાજી લેવા માટે કીમ બજારમાં ગઈ હતી તે સમયે એક શખ્સ અર્જુન પોપટભાઈ ગાગીયા (૨૪) (રહે,ભટવાવડી ગામ, તા-વિસાવદર, જી-જુનાગઢ) તેનો પીછો કરતો હતો અને જણાવ્યુ હતું કે મારે તારી સાથે બોલવું છે. જોકે પરિણીતાએ જણાવ્યુ હતું કે હું તારી સાથે બોલવા માંગતી નથી તું મારો પીછો કરવાનું છોડી દે જેથી યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ યુવાન અવાર નવાર પરિણીતાનો પીછો કરતો હતો અને પરિણીતાને હેરાન પરેશાન કરતો હતો. તે દરમ્યાન અર્જુન ગાગીયા પરિણીતાની મરજી વિરુદ્ધ ફોટા પાડી ફેસબુક ઉપર પરિણીતાની બહેન અને તેના બાપુજીના ફેસબુક ઉપર રિકવેસ્ટ મોકલતો હતો. જેથી પરિણીતાએ ફોટા મૂકવાની ના પાડતા યુવાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવાન ફેસબુક ઉપર પરિણીતાના ફોટા મૂકતો હતો અને પરિણીતા ઘરમાં તેની દીકરી સાથે હાજર હતી તે સમયે યુવાન ઘરમાં પ્રવેશ કરી પરિણીતાની છેડતી કરી બેડરૂમમાં લઈ જતાં પરિણીતાએ બૂમાબૂમ કરી કીમ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનને પકડી લીધો હતો. બનાવ અંગે કીમ પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:54 pm IST)