ગુજરાત
News of Saturday, 21st November 2020

રાજ્યમાં પાંચ મહિનામાં કોરોનાના 2681 દર્દીઓએ જીવ ગુમાવ્યો : જૂનમાં સૌથી વધુ 810 લોકોના મોત

સપ્ટેમ્બરમાં સૌથી વધુ 40,959 કોરોનાના કેસ નોંધાયા: અમદાવાદ IIMનો રિપોર્ટ

અમદાવાદ : દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં ઝડપી વધારો થયો છે રાજ્યમાં જૂન મહિના થી 31મી ઓક્ટોબર સુધીના 5 મહિનામાં કુલ 2681 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે.

અમદાવાદ IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટીયુટ ઓફ મેનેજમેન્ટ ) દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેમાં જૂન મહિનામાં 810 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં હતા, જ્યારબાદ જુલાઈ મહિનાથી કોરોનાથી થતાં મોતની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં 266 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ – 40,959 કોરોનાના કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે ઓક્ટોબર મહિનામાં ડિસ્ચાર્જ રેટ સૌથી વધુ 109 ટકા રહ્યું હતું

IIMની રિપોર્ટમાં ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આંકડાને ટાંકીને જાહેર કરાયેલી વિગત પ્રમાણે ગુજરાતમાં જુલાઈ મહિનામાં – 593, ઓગસ્ટમાં 581, સપ્ટેમ્બરમાં 431 અને ઓક્ટોબર મહિનામાં 266 દર્દીઓના કોરોનાથી મોત નીપજી ચુક્યા છે. કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાથી 31મી ઓક્ટોબર સુધી કુલ 52.89 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 20.86 લાખ કોરોના ટેસ્ટ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યા હતા

રાજ્યના આરોગ્ય અને પરિવાર ક્લાયણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે 21મી નવેમ્બર સુધીમાં અમદાવાદમાં કુલ 46 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે જ્યારે 1955 લોકોના મોત નીપજ્યાં છે. અમદાવાદમાં કોરોનાના કુલ 18.9 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(8:26 pm IST)