ગુજરાત
News of Thursday, 21st November 2019

સુરતમાં ડિંડોલીમાં સીટી બસ હડફેટે મોત થતા ત્રણેય મૃતકોના પરીવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવા ઇન્કારઃ વળતર આપવા ટેન્ડર કેન્સલ કરવા માંગણી

સુરતઃ સુરતના ડિંડોલીમાં સીટી બસે અકસ્માત સર્જયા બાદ ત્રણેય મૃતકોના મૃતદેહ સ્વીકારવાનો પરીવારજનોએ ઇન્કાર કર્યો છે. હોબાળાના સંકેત મળતા મનપાએ સ્મીમેર હોસ્પીટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તો સાથે જ પરીવારે વળતરની માંગ રેલ્વે ફાટક ખોલવા તથા બસ ટેન્ડર કેન્સલ કરવાની માંગ સુરતના તંત્ર સામે મુકી છે.

ડિંડોલી ઓવરબ્રીજ પર ગઇકાલે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શખ્સ તથા બે માસુમ બાળકોના મોત નિપજયા હતા. જેના બાદ સ્થાનીક લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. અકસ્માત બાદ મોડી સાંજે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ મૃતકોના ફોટાવાળા બેનર સાથે રેલી કાઢી હતી. તેમજ ઘટના સ્થળની પાસે સ્મીમેર હોસ્પીટલ બહાર ધરણા કર્યા હતા. લોકોએ યમદુત સમાન સીટી બસ બંધ કરો અથવા રેલ્વે ફાટક ખોલાવો એવી માંગ કરી હતી.

સ્થાનીક લોકો તથા મૃતકના સમાજ દ્વારા તેના પરીવારને ન્યાય આપવાની વાત ઉઠી હતી. તો સાથે જ અનેક વોટસએપ ગૃપમાં પરીવારને ન્યાય અપાવવાના મેસેજ ફરતા થયા હતા. હોસ્પીટલ બહાર અકઠા થયેલા લોકોએ એક જ સુરમાં વાત કહી હતી કે જયા સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતકોના શબ સ્વીકારવામાં નહી આવે તો બીજી તરફ આજે સવારે પણ હોસ્પીટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે જેઓ ન્યાયન આશાએ બેસ્યા છે કે તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવેલ.

સ્થાનીક લોકોએ જણાવ્યું કે ડિંડોલી બ્રીજ પર અનેકવાર અકસ્માતો થયા કરે છે. તેથી અમે વર્ષોથી પુલ વચ્ચે ડીવાઇડર અને ફુટ ઓવરબ્રીજ મુકવાની માંગણી કરી રહયા છે. મનપા દ્વારા ડિવાઇડર મુકવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ હટાવી લેવાયા છે. ઓવરબ્રીજ પર ડિવાઇડર ન હોવાથી પુરઝડપે વાહનો હંકારાય છે.

(6:24 pm IST)