ગુજરાત
News of Wednesday, 21st November 2018

હાલ લોકાર્પિત રો-રો ફેરીનું જહાજ મધદરિયામાં ફસાયું

જહાજમાં ટેકનીકલ ખામી સર્જાતા લોકો ચિંતિત : આખરે બે ટગ બોટની મદદ લઇ રેસ્ક્યુ ઓપરેશન કરીને મધદરિયેથી જહાજને ઘોઘા બંદર સુધી લાવવામાં આવ્યું

અમદાવાદ, તા.૨૧ : તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રો રો ફેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દહેજ-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ કરતાં આ જહાજમાં આજે અચાનક મધદરિયે કોઇક કારણસર કોઈ ટેકનિકલ ખામી સર્જાતા આખુ  મધદરિયે અટવાયું હતું. જેને લઈને જહાજમાં સવાર ૪૫૦થી વધુ મુસાફરો સહિત અનેક વાહનો પણ ઘોઘાથી ૩ નોટિકલ માઈલ દૂર ફસાયા હતા અને સૌ મુસાફરોના જીવ જાણે તાળવે ચોંટયા હતા. ઘટનાની જાણ થતાં અધિકારીઓ દ્વારા બે ટગ બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરી આ જહાજને ઘોઘા બંદર સુધી લાવવામાં આવ્યું હતું અને ટેકનીકલ ખામી નિવારવાના પ્રયાસો યુધ્ધના ધોરણે હાથ ધરાયા હતા. બીજીબાજુ, તમામ મુસાફરો સહીસલામત હોવાના કારણે તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રો રો ફેરીનું જહાજ ઘોઘાથી ૧૦ કિલોમીટર દૂર સમુદ્રમાં અટકી પડ્યુ હતું. અચાનક જહાજના બે પૈકી એક એન્જીન બંધ પડતા આ મુશ્કેલી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, બાદમાં બે ટગ બોટ દ્વારા જહાજને ખેંચીને ઘોઘા બંદરે લાવવામાં આવ્યું છે અને એક ટગ બોટને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. જહાજમાં સવાર ૪૭૬ મુસાફરો અને ૮૦ વાહનો સુરક્ષિત હોવાનું સામે આવતાં તંત્ર અને મુસાફરોના પરિવારજનોએ પણ રાહતનો દમ ખેંચ્યો હતો. બીજીબાજુ, બોર્ડ દ્વારા એન્જીન બંધ થવાના કારણો અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ગત તા.૨૨ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરાયેલી આ સર્વિસ માત્ર એક મહિનામાં જ ફરી વિવાદમાં ફસાઇ છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા દહેજ-ઘોઘા વચ્ચે પેસેન્જર રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેસેન્જર સહીત વાહનો અને માલવાહક વાહનો સાથે નવા શીપમાં આ સર્વિસ શરૂ કરવામાં આવી છે. વોયેજ સિમ્ફોની નામનું ૪૦૦૦ ટનનું આ જહાજ કોરિયામાં વર્ષ ૨૦૧૫માં બનેલું છે. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ફેરી સર્વિસમાં સામેલ કરાયેલા આ જહાજમાં ૬૦ ટ્રક, ૩૫ બસ અને ૫૨૫ પેસેન્જર સમાવી શકાય છે અને તે દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ અવરજવર કરે છે. રોડ દ્ધારા મુસાફરીમાં થતા છ કલાકના બદલે આ સર્વિસથી માત્ર એક કલાકમાં જ દહેજ-ઘોઘા વચ્ચેનું અંતર કાપી શકાય છે. આ જહાજ મધદરિયે બંધ પડતા બંને તરફના મુસાફરો આજે મુશ્કેલીમાં મૂકી ગયા હતા. જો કે, તંત્રએ બધાને સહીસલામત ખસેડવાની તજવીજ હાથ ધરી જહાજની ટેકનીકલ ક્ષતિ નિવારવાના પ્રયાસો યુધ્ધના ધોરણે હાથ ધર્યા હતા.

(8:30 pm IST)