ગુજરાત
News of Wednesday, 21st November 2018

અપહરણ કરાયેલ બાળકને અંતે હેમખેમ છોડાવાયો છે

૨૦ હજારની લેતીદેતીમાં ડ્રાઇવર દ્વારા અપહરણ : પોલીસે સમય સૂચકતા અને સૂઝબૂઝ વાપરીને શામળાજી પાસે અપહ્યુત બાળકને છોડાવીને સલામત વાલીને સોંપ્યો

અમદાવાદ, તા.૨૧ : મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇકાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી. શહેર ક્રાઇમ બ્રાંચ તેમજ અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને અપહરણકર્તાની ચુંગાલમાંથી હેમખેમ છોડાવીને તેનાં માતા-પિતાને સોંપ્યો હતો. અપહરણકર્તાએ માત્ર ર૦ હજારની રકમને લઇ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને રિવોલ્વર બતાવીને રાજસ્થાન લઇ જતો હતો. અપહરણકર્તા બીજુ કોઇ નહી પરંતુ બાળકના પિતા કે જે કેટરર્સ છે, તેમનો ડ્રાઇવર હતો અને રૂપિયાની લેતીદેતીના મામલે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની સતર્કતાના કારણે આરોપી ડ્રાઇવર શામળાજી બોર્ડર પાસેથી રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પોલીસે બાળકને હેમખેમ બચાવી લઇ તેને સહીસલામત તેના માતા-પિતાને સોંપતાં તેઓએ પણ ભારે રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેઘાણીનગર વિસ્તારમાં આવેલ તલવાડા સોસાયટીમાં રહેતા ભંવરલાલ શર્મા કેટરિંગનો ધંધો કરે છે. ગઇકાલે રાતે ભંવરલાલ શર્માના દસ વર્ષના પુત્ર લક્કી ઉર્ફે આર્યનું એક શખ્સ અપહરણ કરીને લઇ ગયો હતો. લક્કી તેના ઘરે પરત નહીં આવતાં ભંવરલાલ શર્માએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી. ભંવરલાલ શર્માને ખબર પડી ગઇ હતી કે આ અપહરણ તેમના પૂર્વ કર્મચારી સરદાર ઉર્ફે પ્રહ્લાદ જાટે કર્યું છે. મેઘાણીનગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. પોલીસ કંટ્રોલરૂમે તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિત રાજ્યના તમામ કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રન તેમજ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા અને રેન્જ આઇજી અને જિલ્લા એસપી આ મામલે સતર્ક થઇ ગયા હતા અને ઠેરઠેર નાકાબંધી કરી દીધી હતી. સરદાર જાટ રાજસ્થાનનો હોવાથી દીપેન ભદ્રને એક ટીમને શામળાજી બોર્ડર પર રવાના કરી હતી ત્યારે પોલીસે રાજ્યની તમામ બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શામળાજી બોર્ડર પર અરવલ્લી એસપી મયૂર પાટલી પણ હાજર થઇ ગયા હતા અને એક-એક ગાડીઓ તપાસ કરતા હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પણ શામળાજી બોર્ડર પર પહોંચી ગઇ હતી. તો બીજી બાજુ અપહરણ કરનાર સરદાર પણ લક્કીને હેમખેમ રાજસ્થાન લઇ જવામાં માગતો હતો. રિક્ષામાં અપહરણ કરવા માટે આવેલા સરદારે લક્કીને રિવોલ્વર બતાવી હતી. સરદારે પણ પોલીસને ચકમો આપવા માટે બે રિક્ષાઓ બદલી ત્યારબાદ ત્રણ ટ્રકમાં મુસાફરી કરી અને બે લકઝરીમાં બેસીને રાજસ્થાન તરફ જવા માટે નીકળ્યો હતો.

સરદાર લક્કીને લઇને એક સ્લીપર કોચમાં બેસીને રાજસ્થાન જતો હતો ત્યારે મોડાસા રોડ પર શામળાજી બોર્ડર નજીકથી પોલીસે તેને પકડી લીધો હતો. લક્કી સ્લીપર કોચની નીચેની સીટમાં સૂતો હતો ત્યારે ઉપરની સીટમાં સરદાર સૂતો હતો. પોલીસના બંદોબસ્તને જોઇને સરદારે ચાલુ બસમાં કૂદકો મારી દોડવા ગયો હતા જ્યાં પોલીસ તેને જોઇ ગઇ હતી અને તેની અટકાયત કરી લીધી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાંચે બસમાં તપાસ કરતા લક્કી હેમખેમ મળી ગયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે સરદારની ધરપકડ કરીને લક્કીને તેના માતાપિતાને સોંપ્યો છે. મોડી રાતે લક્કીનું મેડિકલ કરાવવા માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર લક્કીને રિવોલ્વર બતાવીને સરદાર તેને રાજસ્થાન લઇ જવાનો હતો. સરદાર ભવરલાલની પાસે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને અચાનક રજા પર ઊતરી ગયો હતો. ત્રણ મહિનાની રજા બાદ સરદાર ભવરલાલ પાસે આવ્યો હતો અને લેવાના નીકળતા રૂ.ર૦ હજાર રૂપિયાની માગણી કરી હતી. ભવરલાલે રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા તેને લક્કીનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. અરવલ્લી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની મહેનતથી લક્કી હેમખેમ મળી જતાં સૌકોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.

(7:17 pm IST)