ગુજરાત
News of Sunday, 21st October 2018

અનાથ-નિરાધાર બાળક પ્રત્યે સમાજની જવાબદારી બને છે

બિનીતાના તારા નામે લખુ હું કલશોરનું વિમોચન : રતિલાલ બોરીસાગર-ક્રિશ્ના દવે દ્વારા અનાથ બાળકોના જીવનમાં પરિવર્તન સૂચવતા પુસ્તકનું કરાયેલું વિમોચન

અમદાવાદ,તા.૨૧ : આજની ભાગદોડભરી અને માનસિક તાણવાળી જીંદગી અને પૈસાની આંધળીદોટની વ્યસ્તતા વચ્ચે પણ જીવનમાં બાળકો-સંતાનોને માતા-પિતાએ પૂરતો સમય, પ્રેમ અને હુંફ આપવા જોઇએ, કારણ કે, તે જ સાચા અર્થમાં તેના બાળપણની સાથે સાથે જીવનમાં આવનારા સમય અને ભવિષ્યનું ઘડતર કરવામાં મદદરૂપ બનશે, અન્યથા બાળક કુમળીવયથી જ જીવનની દિશા ભટકી જશે. સમાજમાં આજે એવા ઘણા અનાથ, નિરાધાર અને નિસહાય બાળકો પણ છે કે જેનું કોઇ નથી, ત્યારે સમાજના લોકોએ સમય, પ્રેમ અને હુંફનો આ અભિગમ તેમના પરત્વે પણ અપનાવી સમાજને કંઇક પરત પ્રદાન કરવું જોઇએ એમ અત્રે શહેરના જાણીતા લેખિકા બિનીતા જયેશ જોષીએ જણાવ્યું હતું. સામાન્ય રીતે લોકો પબ્લીસીટી કે કોમર્શીયલ ધોરણે પુસ્તકો લખતા હોય છે પરંતુ સમાજમાં કોઇની મદદ કરવાના હેતુથી અને સમાજમાં એક હકારાત્મક બદલાવની પ્રેરણાના ઇરાદાથી નિઃસ્વાર્થભાવે પુસ્તક લખવાનું બીડું ઝડપ્યું શહેરના જાણીતા લેખિતા બિનીતા જયેશ જોષીએ. સમાજના અનાથ, નિરાધાર અને નિઃસહાય બાળકો માટે સમાજને અનોખી પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતું બિનીતા જોષી દ્વારા લખાયેલા પુસ્તક - તારા નામે લખુ હું કલશોરનું જાણીતા સાહિત્યકાર, નિબંધકાર અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ક્રિશ્ના દવેના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અનાથ બાળકોની આશા, સપનાઓ અને અપેક્ષાઓનું સુંદર રીતે વર્ણન આ પુસ્તક- તારા નામે લખુ હું કલશોરમાં કરવામાં આવ્યું છે. જાણીતા લેખિકા બિનીતા જોષીએ પુસ્તક લખવા પાછળના વિચાર અંગે જણાવ્યું કે, પિતાના મૃત્યુ બાદ તેઓ ત્રણેક અનાથ આશ્રમ સાથે જોડાયેલા રહ્યા હતા અને તેમાં સતત પ્રવૃત્ત અને યોગદાન આપતા રહ્યા હતા. તે દરમ્યાન તેમને અનાથ બાળકો પ્રત્યે સમાજની ઉપેક્ષા, અણગમો અને ફરજવિમુખતા ધ્યાન પર આવ્યા હતા, જેને લઇ અનાથ બાળકોમાં એક આંતરિક આક્રોશ ચોક્કસ છે પરંતુ જો સમાજના લોકો દ્વારા હકારાત્મક અભિગમ સાથે આવા અનાથ બાળકોને તેમની સાથે સામેલ કરવામાં આવે તો તેઓના જીવનમાં પણ પોઝીટીવ ટર્નીંગ આવી શકે છે અને તેઓ સમાજમાં એક સન્માનજનક સ્થાન અને પ્રતિષ્ઠા હાંસલ કરી શકે છે. અનાથ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા તથા સમાજમાં આવા બાળકો પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમ જ સામાજિક જવાબદારીનું જ્ઞાન કરાવવાના ઉમદા આશયથી  તારા નામે લખુ હું કલશોર પુસ્તક લખ્યું છે. સમાજના લોકોએ અનાથ બાળકોની મનોદશાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, ખાસ ત્યારે કે જયારે તેને દત્તક લેવાયા હોવાની જાણ થાય છે અને તેના માતા-પિતા સાચા નથી તેવી ખબર પડે છે તે માનસિક સ્થિતિ અવર્ણનીય હોય છે, તે બાબત સમાજે હરહંમેશ ધ્યાનમાં રાખવી જોઇએ. અગાઉ પણ બિનીતા જોષીનું હૈયાની હેલી પુસ્તક પ્રસિધ્ધ થઇ ચૂકયું છે, ત્યારબાદ તેમના આ બીજા પુસ્તકને લઇ જાણીતા સાહિત્યકાર, નિબંધકાર અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ક્રિશ્ના દવે સહિતના મહાનુભાવો દ્વારા બિનીતા જોષીને ખૂબ શુભેચ્છાઓ પાઠવાઇ હતી.

(9:25 pm IST)