ગુજરાત
News of Sunday, 21st October 2018

રાત્રે ૧૨ વાગ્યેય એકલો ફરૂં છું, જેને મારવો હોય તે આવે

ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનો હુંકારઃ મરી જવુ પડે તો પણ એક ટાઈમમાં મરવા તૈયાર, પરંતુ ગરીબો અને સમાજ માટે તો લડતો રહીશ : અલ્પેશ ઠાકોર

અમદાવાદ,તા. ૨૦ : રાજ્યમાં પરપ્રાંતિયોને લઈને ચાલી રહેલું રાજકારણ થોભવાનું નામ લઇ રહ્યું નથી, ત્યાં થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર એક કરોડ રૂપિયાના ઈનામની જાહેર કરવામાં આવી હતી. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે અલ્પેશ ઠાકોર માટે મોટા ઈનામની જાહેરાત કરી હતી, આ મુદ્દા પર અલ્પેશ ઠાકોરે પહેલી વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, જે કોઇપણ મને મારવાના સપના જોતા હોય તેઓ આવી જાય, રાત્રે ૧૨ વાગ્યે એકલો જ ફરુું છું. જેણે મને મારવો હોય તે આવી જાય, એટલે ખબર પડે. અલ્પેશ ઠાકોરે આ ભડાકાઉ જાહેરાતનો જવાબ પણ પોતાની આગવી શૈલીમાં જ આપ્યો હતો. ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં દશેરા નિમિત્તે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી અને વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. અલ્પેશ જણાવ્યું હતું કે, હાલ જે રાજનીતિ ચાલી રહી છે તેનાથી કોઈને કઈ જ મળવાનું નથી. આ તમામ લોકો ગુજરાતને તોડવાના પ્રયત્નો અને ષડયંત્રો રચી રહ્યાં છે. લોકો કહે છે કે અલ્પેશ ઠાકોરને જેલમાં નાખી દો તેને મારી નાખો પણ તેમને ખબર નથી કે અલ્પેશ ઠાકોરે લાખો અલ્પેશ ઠાકોર પેદા કર્યા છે.

તમે મને મારી નાખશો તો મારા અન્ય સિંહ કોઈના કહ્યામાં નહીં રહે. અને જે કોઈ પણ મને મારવાના સપના જોતા હોય તેઓને અલ્પેશ ઠાકોરે લલકારતા કહ્યું કે, રાત્રે ૧૨ વાગ્યે પણ એકલો ફરું છું, જેને મારવો હોય આવી જાય એટલે ખબર પડે. તેણે વધુમાં ઉમેર્યું કે, મારા મા-બાપને પુછી આવો જેમને જન્મ આપ્યો છે એમને પુછી આવો. એમનો છોકરો કોઈનાથી ડરે અને કોઈનાથી રોકાય તેવો અલ્પેશ ઠાકોર પેદા નથી કર્યો. મરી જવુ પડે તો એક જ ટાઈમમાં મરવા તૈયાર છુ. જે ગરીબો માટે લડતો હોય તેને જો મોતનો ખોફ હોય તો તેણે લડવું પણ ના જોઈએ. હું જ્યારે મરું ત્યારે મારું મોઢુ હસતું હોય. પણ જેની પાસે ભાથી જી મહારાજ જેવા વીરયોદ્ધાઓ ખડેપગે ઉભા હોય તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. અલ્પેશ ઠાકોરે રાજયમાં શાંતિ હણનારા તત્વોને પોતાના ભાષણમાં ગર્ભિત ચીમકી આપી દીધી હતી.

(9:49 pm IST)